ઈમરજન્સી કિસ્સામાં જ્યારે દરેક સેક્ધડ મહત્વની હોય છે ત્યારે દર્દીઓને એમ્બ્યુલન્સ માટે કલાકો રાહ જોવી પડે છે
અન્ય 4 એમ્બ્યુલન્સ હાલ કંડમ હાલતમાં, 1 એમ્બ્યુલન્સ રિપેરીંગના પેમેન્ટના વાંકે છેલ્લા 10 મહિનાથી શો-રૂમમાં પડી છે
- Advertisement -
આ સમગ્ર ખેલ ખાનગી એમ્બ્યુલન્સને લાભ આપવા માટે થતો હોવાનો લોકમૂખે ચર્ચાઇ રહ્યું છે
એમ્બ્યુલન્સ માટે કુલ 10 ડ્રાઇવર છે જેમાંથી 9 ડ્રાઇવર આઉટસોર્સથી અને 1 કાયમી છે
સિવિલની એમ્બ્યુલન્સ માટે દર્દીઓ પાસેથી એક કિલોમીટરના 2 રૂપિયા વસૂલવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને મુખ્ય સરકારી તબીબી સંસ્થા ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રોજના હજારો દર્દીઓ આવતા હોય છે. પરંતુ તાત્કાલિક સારવાર માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ સેવા એમ્બ્યુલન્સ સેવા પોતે જ જીવલેણ અવસ્થામાં પહોંચી ગઈ છે. હોસ્પિટલ પાસે કુલ 6 એમ્બ્યુલન્સ છે, પરંતુ તેમાંની 2 માત્ર વીઆઈપી લોકો માટે જ રિઝર્વ રાખવામાં આવી છે, એટલે સામાન્ય દર્દીઓ માટે માત્ર 4 એમ્બ્યુલન્સ જ ઉપલબ્ધ રહે છે. તેમાં પણ સ્થિતિ વધુ ચોંકાવનારી વાત એ છે કે 4 અન્ય એમ્બ્યુલન્સ કંડમ હાલતમાં છે, જે મહિનાઓથી હોસ્પિટલના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. આશ્ચર્યજનક રીતે, આ એમ્બ્યુલન્સની હરાજી કરીને મળતી આવક નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે ઉપયોગી બની શકે છે છતાં તંત્રના બેદરકાર વલણને કારણે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. સૌથી મહત્વનું કે જે 6 એમ્બ્યુલન્સ ચાલુ હાલતમાં છે તેના પણ ટાયર 30 ટકા જ છે અને ઓઇલ પણ સમયસર બદલાતુ નથી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. તેમજ એક એમ્બ્યુલન્સ તો છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં રીપેરીંગ માટે પડી છે, કારણ કે તેના રીપેરીંગનું પેમેન્ટ જ ન થયું હોવાથી શોરૂમ વાળાઓએ વાહન પરત આપવાનો ઈન્કાર કર્યો છે. એટલે, આટલી મોટી હોસ્પિટલમાં ઇમરજન્સી કેસ માટે દર્દીઓએ ખાનગી એમ્બ્યુલન્સનો આશરો લેવો પડે તેવી સ્થિતિ છે.
સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા વસૂલવામાં આવે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 10 ડ્રાઇવર છે જેમાંથી 9 આઉટસોર્સ આધારિત છે અને માત્ર 1 કાયમી ડ્રાઇવર છે. આથી હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવા પણ કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થાના હાથમાં છે, જેની પાછળ ખાનગી લોબીનો ફાયદો છુપાયેલો હોવાનો આરોપ ઉઠી રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે હોસ્પિટલના તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક સરકારી એમ્બ્યુલન્સ સેવાને અપૂરતી બનાવી ખાનગી એમ્બ્યુલન્સ ઓપરેટરોને લાભ અપાય છે. ઈમરજન્સી કિસ્સામાં જ્યારે દરેક સેક્ધડ મહત્વની હોય છે ત્યારે દર્દીઓને એમ્બ્યુલન્સ માટે કલાકો રાહ જોવી પડે છે જે માનવતાને શરમાવે તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રની આ સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં જો આ પ્રકારની બેદરકારી ચાલે તો નાના શહેરોની હોસ્પિટલોમાં શું હાલત હશે એ સહેલાઈથી અંદાજી શકાય છે. પ્રશ્ર્ન એ છે કે જનતા માટેની સેવાઓની એન્જિન એ રીતે જ કંડમ હાલતમાં ધૂળ ખાવા મૂકી દેવામાં આવશે કે હવે તંત્ર કોઇ નિર્ણય લેશે કે નહીં ? તે જોવાનું રહ્યુ.



