કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત ક્યારેય નહીં ચૂકવી શકે. સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો આ માણસના નામે નોંધાયેલી છે.
માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી પણ પછી આ ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં ક્ધવર્ટ કરવા માટેની શોધ એડિસને આદરી. એણે વીજળીનો ગોળો બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી. આ માણસ રાત-દિવસ જોયા વગર એક પછી એક પ્રયત્નો કરતો જાય પણ નિષ્ફળતા સિવાય બીજું કંઈ જ હાથ ન લાગે. પરંતુ હતાશ થઈને બેસી જાય તો એ એડિસન શાનો ?
1000થી વધુ પ્રયોગો કરવા છતાં પણ એ વીજળીનો ગોળો ન બનાવી શક્યો. કેટલાક પત્રકારો એને મળવા આવ્યા અને એડિસનને કહ્યું, તમારે હવે આ વીજળીનો ગોળો બનાવવાનો વિચાર પડતો મૂકવો જોઈએ.
એડિસને કહ્યું, મારે શા માટે એવું કરવું જોઈએ એ મને સમજાવશો ? એટલે પત્રકારોએ કહ્યું, તમે 1000થી વધુ પ્રયોગો કર્યા અને દરેક વખતે નિષ્ફળ ગયા છો; માટે તમારે આ છોડી દેવું જોઈએ.
એડિસને હસતાં હસતાં કહ્યું, અરે ભાઈ, એ તો તમે તમારી દૃષ્ટિથી જુઓ છો. બાકી મને એક પણ નિષ્ફળતા નથી મળી. હા એ ખરું કે 1000 પ્રયોગ કરવા છતાં પણ હું હજુ વીજળીનો ગોળો બનાવી શક્યો નથી. આનો અર્થ એમ પણ થાય ને કે મેં કરેલા આ 1000 પ્રયોગો દ્વારા વીજળીનો ગોળો બની શકતો નથી એવું મેં શોધી કાઢ્યું ! એટલે હવે મારા પછી કોઈને કદાચ વીજળીનો ગોળો શોધવો હોય તો એણે આ 1000 પ્રયોગો કરવાની જરૂર નથી. તો મેં એટલું કામ ઓછું કરી આપ્યું, એમના માટે. હવે તમે જ કહો કે મને આમાં ક્યાં નિષ્ફળતા મળી ?
પત્રકારો એડિસનનો આત્મવિશ્વાસ જોઇને ઊભા થઈને જતા જ રહ્યા. એડિસને પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા અને આજે એના એ પ્રયાસોના પરિણામે સમગ્ર વિશ્વ ઝળહળી રહ્યું છે.
હરિવંશરાય બચ્ચન કહે છે કે:
લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલોકી કભી હાર નહીં હોતી.
- Advertisement -
બોધામૃત
આપે નક્કી કરેલા લક્ષ્યને વળગીને ચાલતા જ રહો, ચાલતા જ રહો. દુનિયા શું કહે છે તેની પરવા છોડીને તમારા ધ્યેય તરફ આગળ વધો. સફળતા તમારી રાહ જુએ છે.
અનુભવામૃત:
- Advertisement -
ધ્યેય પ્રાપ્તિ તરફ એક ડગલું તમે ભરો, બીજું પ્રભુ ભરાવશે.
– પૂ. મોરારિબાપુ