ભારતીય લોકસભાની સરખામણીએ અમેરિકા, બ્રિટન, જાપાન સહિતના દેશોની સંસદમાં વધુ દિવસો કામ થાય છે.
ખાસ-ખબર સંવાદદાતા
સતા મેળવવા માટે મહિનાઓની મહેનત તથા ખાનગી ઉપરાંત સરકારી નાણાનાં જંગી ખર્ચ પછી પણ રાજયોની વિધાનસભામાં માંડ 30 દિવસ જ કાર્યવાહી થાય છે. પંજાબ, હરીયાણા જેવા અમુક રાજયોમાં તો વર્ષે માંડ 15 દિવસ વિધાનસભાની કાર્યવાહી થાય છે.
છેલ્લા એક દાયકામાં રાજયોનાં વિધાનસભા કાર્યવાહીના દિવસો ચકાસવામાં આવે તો સૌથી વધુ વર્ષે 46 દિવસ ઓડીસા વિધાનસભામાં કામ થયુ હતું. કેરળમાં 43 દિવસ વિધાનસભા કાર્યવાહી થઈ હતી. લોકસભાની સરેરાશ 63 દિવસની કાર્યવાહીની સરખામણીમાં આ સંખ્યા ઓછી છે. લોકસભાનો આંકડાકીય રીપોર્ટ ચકાસવામાં આવે તો અન્ય મોટા દેશોની સરખામણીએ, કામગીરી ઓછી થાય છે. અમેરીકી સંસદમાં 2020ના વર્ષમાં 163 દિવસ અને 2021 માં 166 દિવસ કામ થયુ હતું. અમેરિકી સેનેટમાં 192 દિવસ કામ થયુ હતું.
- Advertisement -
બ્રિટનનાં હાઉસ ઓફ કોમનમાં 147 બેઠક થઈ હતી. જયારે જાપાનની સંસદમાં વર્ષે 150 દિવસ કામગીરી થઈ હતી. કેનેડામાં હાઉસ ઓફ કોમનમાં 127 દિવસ કામકાજ થયા હતા. જર્મનીમાં સાંસદોને હાજરી આપવાનું ફરજીયાત હોય છે. ત્યાં ગત વર્ષે સંસદમાં 104 દિવસ કામગીરી થઈ હતી. ભારતીય લોકસભામાં ચાલુ સદીમાં સૌથી વધુ 85 દિવસ કામકાજ 2000 તથા 2005 ના વર્ષમાં થયુ હતું. જયારે સૌથી ઓછા 33 દિવસ 2020 ના કોરોના વર્ષમાં હતા.
ભારતીય રાજયોને લાગે વળગે છે ત્યાં સુધી 2020 તથા 2021 ના કોરોના વર્ષમાં સૌથી ઓછા દિવસ કામકાજ થયા હતા. હરીયાણામાં વિધાનસભા કાર્યવાહી 2010,2011, 2012 તથા 2014 માં માત્ર 11 દિવસની જ હતી.