ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન પરથી લોન લીધા બાદ લોકો વ્યાજના અજગર ભરડામાં ફસાઈને ધમકીઓ અને બ્લેક મેઈલિંગનો શિકાર બની રહ્યા છે
ઓનલાઇન લોન આપતી વિવિધ કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. આવી ઓનલાઈન એપ્લિકેશન પરથી ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં લોન લેવી ન જોઈએ. ઓનલાઈન લોન આપતી કેટલીક કંપનીઓ આરબીઆઈ રજીસ્ટર્ડ હોતી નથી અને તેમાં વ્યાજના નિયમ કરતા વધુ વ્યાજ લેવામાં આવે છે, વ્યાજનું પણ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવે છે. સાથે સાથે લોન પ્રોસેસિંગથી લઈ કેવાયસીના નામે વધુ નાણાં પડાવવામાં આવે છે એટલું જ નહીં ઓનલાઈન લોન આપતી કેટલીક એપ ટૂંકી મુદતની લોન આપે છે અને તે અમુક દિવસ પૂરા થાય તે પછી લોન લેનારને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા રહે છે. જ્યારે લોન લેનારા ઓનલાઈન લોન આપનાર કંપનીના ષડ્યંત્રમાં ફસાઈ જાય છે ત્યારે તેઓ આપઘાત સુધીનું પગલું ભરી લેતા હોય છે. અનુસંધાન પાના નં. 14 પર
- Advertisement -
ઓનલાઈન તાત્કાલિક લોન આપતી કંપનીની મોડસ ઓપરેન્ડી શું છે?
ઓનલાઇન લોન આપતી મોબાઈલ એપ્લિકેશન કંપની એક ક્લિક પર બે-પાંચ હજારથી લાખ-લાખ રૂ. સુધીની લોન છ માસ તેમજ એક વર્ષ માટે આપતી હોવાની આકર્ષક જાહેરાત કરે છે. નાની લોન મિનિટોમાં સરળતા મળતી હોવાની લાલચમાં અનેક યુવાન એપ ડાઉનલોડ કરે છે ત્યારે આ ઓનલાઈન લોન આપતી કંપની દ્વારા તેમના કોન્ટેક લિસ્ટ, ગેલેરી તેમજ આખો ફોન હેક કરી લેવાઈ છે. આ લોન કંપની આપેલી રકમ પર 36 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. અને જ્યારે કોઇ તેમનું રિપેમેન્ટ ના કરે તો તે લોન લેનારાના કોન્ટેક લિસ્ટમાં ફોન-મેસેજ કરી માનસિક ત્રાસ આપે છે. લોન લેનારને વોટસએપમાં ફ્રોડ, ચોર લખી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ફોટો અપલોડ કરીને બદનામ કરે છે. તેઓ કોઈ લોન એગ્રીમેન્ટ પણ નથી આપતા તેથી કાયદાકીય રીતે પણ તેમની પર કાર્યવાહી શક્ય નથી. આવી લોન કંપનીઓનું બ્લેક ફંડિંગ મુખ્યત્વે ચાઇના, હોંગકોંક, તાઇવાન બાજુથી થાય છે. તાત્કાલિક એપ્લિકેશન મારફતે ઓનલાઈન લોન આપતી કંપનીઓ લોનના નામે લોકો પાસેથી મામૂલી રકમના બદલામાં મસમોટી રકમ પડાવી રહી છે. તેમની મોડસ ઓપરેન્ડી લોકોને તરત જ પૈસા આપી તેમની પાસેથી ગમે તેમ કરીને તે પૈસાના બદલામાં દસ ગણું વધુ વ્યાજ લેવાનું છે.
મામૂલી રકમની લોન આપતી ફ્રોડ કંપનીઓની લોભામણી જાહેરાતથી બચો
કેટલીક કંપનીઓ સમયસર લોન નહીં ભરનારને ડરાવે છે, ધમકાવે છે ઉપરાંત મોબાઈલ ડેટા ચોરી કરી સગા-સંબંધીઓને હેરાન કરી મૂકે છે
- Advertisement -
મોતનો ફંદો:ઓછી રકમ અને ટૂંકી મુદતની તાત્કાલિક લોન બની રહી છે
કેટલીક કંપનીઓ ઓનલાઈન એપ્લિકેશનમાં આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના કેટલાક પુરાવા મેળવીને ટૂંકાગાળાની મુદતમાં રૂપિયા 3000થી 100000 સુધીની ઓનલાઇન લોન આપ્યા બાદ સમયસર લોન નહીં ભરનારને ડરાવે છે, ધમકાવે છે સાથે જ મોબાઈલ ડેટા ચોરી કરી લોન લેનાર ઓળખીતાઓને હેરાન કરતા હોવાની વિગતો બહાર આવી છે. ચિંતાજનક બાબત એ છે કે, હવે ઓનલાઈન લોન આપનારી કંપનીના ચંગુલમાં ફસાનારાઓ મોટાભાગના લોકો આર્થિક સંકળામણ વચ્ચે માનસિક ત્રાસ પામીને આપઘાત કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા ઓનલાઈન લોન આપતી એપ્લિકેશન પર કડક નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. લોકોએ પણ ઓનલાઈન લોન આપતી ફ્રોડ કંપનીની લોમભણી જાહેરાતથી આકર્ષાઈને ઓનલાઈન લોન લેવાના અજગર ભરડાવામાં ફસાવવું ન જોઈએ.
ઓનલાઈન લોન આપતી કંપનીના ષડ્યંત્રમાં ફસાતા કેમ બચવું?
આજકાલ પૈસા કમાવવાની સાથે સાથે લોન મેળવવી પણ ઘણી સહેલી થઈ ગઈ છે. રોજ સવારે ઉઠીએ તો કેટલીય એપ્લિકેશન લોન આપવા માટે તૈયાર બેઠી છે જે ફક્ત 10 મીનીટની અંદર તમને જરૂરિયાત રકમની લોન આપી દે છે. ઓનલાઈન મળતી લોનને ડિજિટલ લેન્ડિંગ કહેવાય છે. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સંસ્થાઓએ ડિજિટલ લેન્ડિંગ માટે આંખો લાલ કરવી જરૂરી બની છે. અફસોસ જે સ્પીડથી લોન મળી રહે છે એ સ્પીડથી તેના નિયમો બની રહ્યા નથી. અને તેને કારણે જ ફ્રોડનાં કેસ વધી રહ્યા છે અને સાથે જ લોકોમાં આ વિશે જાગૃત્તતા જોવા નથી મળી રહી. આ સમયે ખૂબ અગત્યનું છે કે, ભારતમાં લોન આપતી કંપનીઓ આરબીઆઈની માન્યતા ધરાવતી હોવી જોઈએ અથવા તે આરબીઆઈ માન્ય નાણાકીય સંસ્થા સાથે જોડાયેલી હોવી જોઈએ. ડિજિટલ લોન લેતી વખતે સંબંધિત એપ્લિકેશનને આરબીઆઈની માન્યતા છે કે નહીં તે તપાસો. આરબીઆઈની વેબસાઈટ પર સંબંધિત કંપનીઓના રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકાય છે. જેમ કંપનીઓ સંપૂર્ણ કેવાયસી વિગતો લે છે તેમ લોન લેનારે પણ ઓનલાઈન એપ્લિકેશનમાં લોન આપતી કંપની વિશે સંપૂર્ણ વિગતો તપાસવી જોઈએ. લોનના નામે મામૂલી રકમ મેળવવા પોતાની અંગત માહિતી ક્યાંય પણ શેઅર ન કરવી જોઈએ તેમજ લોન લેતા સમયે ભવિષ્યના ઈએમઆઈ અને વ્યાજદરની પણ ખાતરી કરી લેવી જોઈએ.