સરકારની વિચિત્ર નીતિ કોઈને ગળે ઉતરતી નથી
ઘેર પરિવાર વચ્ચે મોજ માટે પાંચ-પાંચ રૂપિયાનો જુગાર રમો તો ધરપકડ, ઑનલાઈન લાખ્ખો-કરોડોનો દાવ ખેલો તો વાળ પણ વાંકો ન થાય!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ દિવસે બેગણો અને રાતે ચોગણો વધી રહેલો ઓનલાઈન જુગાર અથવા સટ્ટાકીય પ્રવૃતિઓ પર અંકુશ લગાવવો અત્યંત જરૂરી છે. થોડા દિવસો અગાઉ જ સરકાર દ્વારા ઓનલાઈન સટ્ટા અને જુગાર પર પ્રતિબંધ લાદવા અથવા તેના પર અંકુશ કઈ રીતે મેળવવો તેના માટે એક કમિટીની રચના કરી હતી અને ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓનલાઈન જુગાર-સટ્ટાની જાહેર ખબર બંધ કરવા પ્રિન્ટ-ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાને સલાહ આપી હતી. જોકે માત્ર જાહેરખબરો બંધ કર્યે કશું નહીં થાય, ઓનલાઈન જુગાર-સટ્ટો રમાડતી ગેમ્સ-એપ્લિકેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જ પડશે. થોડા મહિનાઓ અગાઉ એક એડવાઈઝરી ઈશ્યુ કરીને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસિ્ંટગ વિભાગે સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખતા ઓનલાઈન, ડિજિટલ કે પ્રિન્ટ મીડિયાને આ પ્રકારની ઓનલાઈન સટ્ટાકીય પ્રવૃતિઓ કે ઓનલાઈન સટ્ટાની જાહેર ખબરો ન દર્શાવવા સલાહ આપી હતી. આજના યુવાઓ, બાળકો કે સામાન્ય જનતાને આ ઓનલાઈન જુગારની લત ન લાગે અને તેમના સામાજિક-આર્થિક જોખમોને ધ્યાનમાં લેવા જણાવાયું હતું. આમ છતાં હજુ સુધી આ જાહેરખબરો પર રોક તો લાગી જ નથી, ઓનલાઈન જુગાર-સટ્ટો રમાડતી ગેમ્સ-એપ્લિકેશન પણ બેરોકટોક ચાલું છે.