અર્થામૃત
મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.
- Advertisement -
બોધામૃત
ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસના સંબંધને ભૂલી ન જવો. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે, એ માણસ લોકોના હૃદય પર શાસન કરે છે. અને એના અવસાન બાદ પણ લોકોના હૃદયમાં એ જીવતા હોય છે.
કથામૃત : ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી બહાર જોઇ રહેલા સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જઇ રહેલા એક રાહદારી પર પડ્યું. ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહીને ગાડી ઊભી રખાવી. રસ્તા પરથી પસાર થઈ રહેલા આ રાહદારી વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટમાસ્તર તરીકે કામ કરતા અને બારડોલી સત્યાગ્રહ વખતે સરદારને એની ઓળખાણ થયેલી. સરદાર એમની કાર્યનિષ્ઠાથી પ્રભાવિત થયેલા. વર્ષો પછી પણ સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્તરને ઓળખી ગયા અને સાદ પાડીને નજીક બોલાવ્યો. પોસ્ટમાસ્તર નજીક આવ્યા અને સરદારને ગાડીમાં જોઇને આભા બની ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યો, એ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્તરને સરદારે કહ્યું, કેમ દિલ્હી આવ્યા છો ? પેલા પોસ્ટમાસ્તરે કહ્યું, હું રજા મૂકીને દિલ્હી જોવા માટે આવ્યો છું. સરદારે એમને કહ્યું, તમારો સામાન લઈને મારા બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારે ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટમાસ્તર તો બિચારો સરદારનો પ્રેમ જોઇને ગળગળો થઈ ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાતવાતમાં એમને જણાવ્યું, હું અત્યારે બનાસકાંઠામાં નોકરી કરું છું. પકિસ્તાનની સરહદ સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલિસ ચોકી કે પોલિસ પહેરો નથી. ઘુસણખોર માટે રેઢા પટ જેવું છે. સરદારે એ વખતે એમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી એ પોસ્ટમાસ્તર સરદારના મહેમાન બનીને રહ્યા. દિલ્હી ફરીને એ જ્યારે પોતાના નોકરીના સ્થળે પાછા ફર્યા ત્યારે પકિસ્તાની સરહદ પર પોલિસને ચોકી-પહેરો ભરતા જોઇને સરદારની માનવતાની સાથે સાથે મહાનતાનો પણ પરિચય થયો. આ પોસ્ટમાસ્તર જીવ્યા ત્યાં સુધી બધાંને સરદાર સાહેબની મહાનતાની વાતો કરતા રહ્યા.
- Advertisement -