ટેક્સની રકમ ઑનલાઇન-ઑફલાઈન, તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખાતે જમા કરાવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવા નાણાકીય વર્ષમાં વસૂલાત શરૂ કર્યાની તારીખથી તા.31મી મે સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્સ, ડ્રેનેજ કર, દીવાબત્તી કર તથા પાણીચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ-નોટિસ ફી સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-26ની સામાન્યકર, પાણીચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 10 ટકા વળતર આપવામાં આવશે.
આ મુદત પૂરી થાય ત્યાર પછીના 30 દિવસની અંદર એટલે કે, તા.1થી 30 જૂન સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્સ, ડ્રેનેજ કર, દીવાબત્તી કર તથા પાણીચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ-નોટિસ ફી સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનારને સને 2025-26ની સામાન્ય કર, પાણીચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના 5 ટકા વળતર આપવામાં આવશે.
ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનારને 1 ટકા વળતર અપાશે. ત્રણ વર્ષથી આવી યોજનામાં સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલિટી બોનસ પેટે વિશેષ 1 ટકા વળતર આપવામાં આવશે. તેમજ 40 ટકાથી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાક મિલકતોને વિશેષ 5 ટકા વળતર આપવામાં આવશે.
આ રીતે મળી શકશે ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ
આ યોજનાનો લાભ લેવા મિલકતધારક દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તા.31 મે સુધીમાં વોર્ડ ઓફિસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બિલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના 100 ટકા અને એરિયર્સની (વ્યાજ સહિત) રકમના 25 ટકા જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. બાકીની 75 ટકા રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 25-25 ટકાના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે.
પ્રથમ હપ્તો ભરપાઇ થયા બાદ બાકી રહેલ એરિયર્સની (વ્યાજ સહિત) રકમના ત્રણ હપ્તા આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જે તે વર્ષના વેરાની રકમ સાથે ભરવાના રહેશે. બાકી હપ્તાની રકમ ઉપર કોઇપણ જાતના વધારાના ચાર્જ/વ્યાજ/નોટિસ ફી ચૂકવવાના થશે નહીં.
નિયત હપ્તાની રકમ તથા જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની રકમ જે તે નાણાકીય વર્ષના 30-સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે. તેમજ બાકી રહેલ સંપૂર્ણ રકમ પર જે તે નાણાકીય વર્ષના 1-ઓકટોબરથી નિયમ પ્રમાણે વ્યાજ તથા નિયત નોટિસ ફી વસૂલવાપાત્ર થશે. જે મિલકતધારક સળંગ 4(ચાર) વર્ષ દરમિયાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત 4(ચાર) વર્ષ દરમિયાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે.
જો મિલકતધારકને મિલકત વેરા-પાણી ચાર્જિસમાં નામ-ટ્રાન્સફર/ભાગલા અરજી કરાવા માટે કુલ બાકી માગણાની પૂરે પૂરી રકમ ભરપાઈ કર્યા બાદ જ નામ-ટ્રાન્સફર/ભાગલા અરજી કરી શકશે.
આ યોજના દરમિયાન મિલકતના બાંધકામ, ઉપયોગ કે ભોગવટામાં ફેરફાર થયે સંબંધિત મિલકતની આકારણી રિવાઇઝ કરવાની થતી હોવાથી આવા સંજોગોમા આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.



