ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં એક શખ્સ ડ્રગ્સ સાથે ફરતો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે વોચ ગોઠવીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઈસમને ઝડપી લીધો હતો અને આરોપીની અટકાયત કરીને આ ડ્રગ્સ કોની પાસેથી લીધું અને કોને કોને વેચતો હતો તે સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીએ કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચતો હોવાની કબૂલાત આપી હતી.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ એનડીપીએસના કેસો શોધવા માટે સુચના આપતા આ દિશામાં એસઓજી ટીમ તપાસ કરી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે, આરોપી સમીર ઈબ્રાહિમભાઈ અલવસીયા (ઉં.વ. 28, રહે. સુમરા સોસાયટી, વીસીપરા, મોરબી) પોતાના બાઈક જીજે 03 એચપી 4047 માં માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એસઓજી ટીમે આરોપીને માદક પદાર્થ મેફેડ્રોન 6.880 ગ્રામ (કિં.રૂ. 68,800) ના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુન્હામાં ઉપયોગ કરેલ 50 હજારની કિંમતનો એક મોબાઈલ તથા 35 હજારની કિંમતનું એક બાઈક મળી કુલ રૂ. 1,53,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
આ આરોપીની પૂછપરછ દરમિયાન કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની આરોપીએ કબૂલાત આપતા બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.