સંતોષ ભેળ નજીક સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં યાજ્ઞિક રોડ નજીકનાં સર્વેશ્ર્વર ચોક ખાતે સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં 13 જેટલા લોકોને સારવાર માટે સિવિલમાં તેમજ અન્ય એક વૃદ્ધાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઈકાલથી જ 63 વર્ષીય ભાવનાબેન ઠક્કર નામના આ વૃદ્ધા વેન્ટિલેટર પર હતા. જેમનું આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ 63 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન ઠક્કર રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં આવેલ સંતોષ ભેળની બાજુમાં આવેલ દીપ સેન્ડવીચમાં નાસ્તો કરવા ગયા હતા. દરમિયાન અચાનક સ્લેબ તૂટતા તેઓ પણ નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઇજા થતાં તેમને શહેરની પ્રસિદ્ધ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા હતા. અને તેઓ છેલ્લા 24 કલાકથી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. જોકે અંતે તેમણે દમ તોડતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ભાવનાબેનનાં મોતની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેમજ અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સર્વેશ્ર્વર ચોકમાં નાસ્તો કરવા માટે ગયેલા ભાવનાબેનનાં મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો લોકોમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.