મા-બાપ સાથે અમેરિકા ગયેલા 1.34 લાખ બાળકો ગ્રીન કાર્ડથી વંચિત રહી જશે
21 વર્ષના થાય તો તેમને ભારત પાછા આવવું પડે !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ભારતીયો માટે ગ્રીન કાર્ડનું જે એક સદીથી પણ લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે તેના પર ખાસ્સો ઉહાપોહ મચ્યો છે. એક અંદાજ અનુસાર, હાલની સ્થિતિમાં અમેરિકામાં વર્ષોથી રહેતા લગભગ 10.7 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જે લોકો ઇબી-2 અને ઇબી-3 વિઝા પર અમેરિકામાં જોબ કરી રહ્યા છે તેમનો ગ્રીન કાર્ડનો બેકલોગ ક્લીયર થતાં 134 વર્ષ લાગી શકે છે.
આ સ્થિતિમાં મા-બાપ સાથે અમેરિકા ગયેલા લગભગ 1.34 લાખ બાળકો પણ ગ્રીન કાર્ડથી વંચિત રહી જાય તેવી શક્યતા છે. તેવામાં જો આ બાળકો ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ 21 વર્ષના થઈ જાય તો તેમને ઈન્ડિયા પાછા આવવું પડે તેમ છે. અમેરિકા દર વર્ષે એમ્પ્લયોમેન્ટ કેટેગરીમાં માત્ર 1.4 લાખ ગ્રીન કાર્ડ ઈશ્ર્યૂ કરે છે, તેમાંય દુનિયાના દરેક દેશને માત્ર સાત ટકાનો જ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. જોકે, નિશ્ર્ચિત ક્વોટા સામે ભારતીયો દ્વારા મોટી સંખ્યામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં આવે છે જેના કારણે તેનું વેઈટિંગ ઓછું થવાને બદલે દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. એચ-1બી વિઝા પર જે ભારતીયો હાલ અમેરિકામાં છે અને જેમને અમેરિકામાં જ સેટલ થવું છે તેમની પણ આ જ સ્થિતિ છે.
માર્ચ 2023 સુધીના આંકડા અનુસાર, ઇબી-2 અને ઇબી-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હોય તેવા ભારતીયોની સંખ્યા 10.7 લાખને આંબી ગઈ છે. વેઈટિંગ દરમિયાન જ જે લોકોનું અવસાન થયું હોય કે પછી ઉંમર નીકળી ગઈ હોય તેવા લોકોને જો દૂર કરવામાં આવે તો પણ હાલ ચાલી રહેલું વેઈટિંગ ક્લીયર થવામાં 54 વર્ષનો સમય લાગી શકે છે, અને જો આવા લોકોને પણ વેઈટિંગમાં સમાવી લેવાય તો હાલનું વેઈટિંગ 134 વર્ષને આંબી જાય તેમ છે.
અમેરિકાની કાસ્ટો ઈન્સિસ્ટિયૂટના ઈમિગ્રેશન સ્ટડીઝના અસોસિએટેડ ડિરેક્ટર ડેવિટ જે. બાયરે આ મામલે તૈયાર કરેલા રિસર્ચ રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અમેરિકામાં કામ કરતા પેરેન્ટ્સ સાથે ત્યાં રહેતા બાળકોને તેમના ડિપેન્ડન્ટ તરીકે એચ-4 વિઝા પર અમેરિકામાં રહેવાની પરવાનગી મળતી હોય છે.
જોકે, તેમને ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ જો તેમની ઉંમર 21 વર્ષ થઈ જાય તો તેઓ એચ-4 વિઝા પર અમેરિકામાં નથી રહી શકતા, અને જો તેમને યુએસમાં રહેવા માટે બીજા કોઈ વિઝા ના મળે તો તેમને ઈન્ડિયા પાછાં આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.