રાજકોટ સહિત આઠ મનપામાં 30મી નવેમ્બર સુધી રાતના એકથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રી કફર્યુમાં વધુ રાહત આપી છે. હવે રાત્રી કફર્યુનો સમય રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત ગૃહવિભાગે નૂતન વર્ષન સ્નેહ મિલન અને છઠ પૂજાની ધાર્મિક વિધીમાં પણ 400 જણાં ઉપસ્થિત રહી શકે તેવી મંજૂરી આપી છે.
અત્યાર સુધી આ શહેરોમાં રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલી બનાવાયો હતો પણ ગુરૂવારે રાજ્ય ગૃહ વિભાગે દિવાળીના તહેવારોને પગલે રાત્રી કફર્યુમાં છૂટછાટ આપી છે.
- Advertisement -
હવે રાત્રી કફર્યુનો સમય રાતના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રહેશે. તા. 30મી નવેમ્બર સુધી આ નિયમ અમલમાં રહેશે. દિવાળીના તહેવારોના પગલે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે તેમાં હવે 400 જણાં ઉપસ્થિત રહી શકે તે માટે સરકારે મંજૂરી આપી છે.સાથે સાથે છઠ પૂજાની ધાર્મિક વિધીમાં પણ 400 જણાંની મર્યાદામાં લોકો હાજર રહી શકે તે માટે લીલીઝંડી અપાઇ છે. જોકે, સ્નેહ મિલન અને છઠ પૂજાની ધાર્મિક વિધીમાં કોરોનાની ગાઇડલાઇનનો કડકપણે અમલ થાય તે માટે લોકોને અપીલ કરાઇ છે.
કોરોનાકાળમાં સિનેમાહોલ બંધ કરી દેવાયા હતાં પણ હવે સરકારે સિનેમાહોલમાં 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવા મંજૂરી આપી છે. સ્પા સેન્ટરો સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સરકારે છૂટછાટ આપતા હવે બજારો ઉપરાંત હોટલ-રેસ્ટોરન્ટ પણ રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આમ, દિવાળીના તહેવારોમાં શહેરોમાં ફરી રાત્રી રોનક જામશે.
યાર્ડમાં તા.3થી 8 નવે. દિવાળી વેકેશન
દિવાળીના તહેવાર અંતર્ગત રાજકોટ માર્કેટ યાર્ડમાં રજાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.3 નવેમ્બરથી તા.8 નવેમ્બર સુધી 6 દિવસ યાર્ડમાં કામ કાજ બંધ રાખવામાં આવશે અને તા.9મીથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવશે. તેમજ સબયાર્ડમાં તા.4થી 9 દિવસ બંધ રહેશે. યાર્ડની યાદીમાં જણાવ્યા મુજબ બેડી યાર્ડમાં તા.3થી 8 સુધી કામકાજ બંધ રહેશે. તેમજ સબયાર્ડમાં શાકભાજી વિભાગમાં તા. 5થી 9, બટેટા વિભાગમાં તા.5થી 7, ડુંગળી વિભાગમાં તા.4થી 8 અને ઘાસચાર વિભાગમાં તા.5થી 6 બે દિવસ કામકાજ બંધ રહેશે. ઉપરોકત વિગતે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ હોય તા.2.11-21ને મંગળવાર સવારના 8 વાગ્યાથી તા.8.11.21ને સોમવાર રાત્રીના 10 વાગ્યા સુધી મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી. અનાજ)ની તમામ આવકો બંધ કરેલ છે. ખેડૂતભાઇઓને મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી)માં માલ વેચવા નહિ લાવવા જણાવ્યું છે.
- Advertisement -
તા.9.11.21ને મંગળવારથી રાબેતા મુજબ મુખ્ય માર્કેટ યાર્ડ (બેડી)નું કામકાજ શરૂ થશે.