અર્થામૃત:
એક પછી એક ટીપાથી આખો ઘડો ભરાઈ જાય છે. તેવી જ રીતે ધીમે ધીમે ધન, વિદ્યા અને ઉત્તમ કાર્યો કરતાં રહેવાથી એક દિવસ એ સમૃદ્ધ ખજાનો બની જાય છે.
- Advertisement -
કથામૃત: ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક જંગલમાંથી પસાર થયા. એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા અને તરસ લાગી હોવાથી શિષ્ય આનંદને પાણી લાવવા માટે આજ્ઞા કરી. આનંદ પાણી લેવા માટે પાત્ર લઈને બાજુમાંથી પસાર થતા ઝરણા પાસે ગયો. એની નજર સામે જ એક બળદગાડું આ ઝરણામાંથી પસાર થયું અને એનાથી ઝરણાનું પાણી સાવ ડહોળાઇ ગયું. આનંદ પાણી લીધા વગર જ પરત ફર્યો અને એણે બુદ્ધની માફી માંગતા કહ્યું, પાણી સાવ ગંદુ થઈ ગયું છે. હું થોડે દૂર પાણી ભરવા માટે જાઉં છું. બુદ્ધે કહ્યું, ના, તારે દૂર નથી જવું. એ જ ઝરણાનું પાણી ભરી લાવ. આનંદ પાછો ગયો પણ પાણી ખરાબ હોવાથી પોતાના ગુરુદેવ માટે આવું પાણી લઈ જવાનું એને ન ગમ્યું.
એ ફરી એમ જ પાણી લીધા વગર બુદ્ધ પાસે પરત ફર્યો. બુદ્ધે કહ્યું, જો સાંભળ, મારે એ જ ઝરણાનું પાણી પીવું છે. માટે, તું ફરી ત્યાં જઈ અને પાણી ભરી લાવ. આનંદ ત્રણથી ચાર વખત આવ્યો અને ગયો પણ પાણી ખરાબ જ હતું. હવે જ્યારે આનંદ પાણી ભરવા માટે ગયો તો આશ્ચર્યથી જોઈ રહ્યો. બધો કાદવ બેસી ગયો હતો. સડી ગયેલા પાન પણ હવે તળિયે જતા રહ્યા હતાં. પાણી કાચની જેમ નિર્મળ થઈ ગયું હતું. આનંદ બુદ્ધ માટે પાણી ભરીને લાવ્યો અને બુદ્ધને આ વાત કરી. બુદ્ધે આનંદ સામે જોઈને કહ્યું, બેટા, આપણા જીવનરૂપી જળને પણ કુવિચારરૂપી બળદ રોજ ગંદુ કરે છે. અને ત્યારે આપણે જીવનથી દૂર ભાગીએ છીએ. પરંતુ ભાગવાને બદલે મનરૂપી ઝરણું શાંત થાય એની રાહ જોવી જોઈએ. જે ધીરજ રાખીશું, તો બધું જ સાવ ચોખ્ખુ દેખાશે; બિલકુલ પેલા ઝરણાની જેમ !
બોધામૃત:
- Advertisement -
કુવિચારોથી જીવન ડહોળાય ત્યારે પલાયન કરવાને બદલે જો ધીરજ રાખવામાં આવે, તો ડહોળ આપોઆપ નીચે બેસી જશે.