આશરે એક લાખનો મુદ્દામાલ ચોરીને તસ્કરો રફુચક્કર
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસના પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે કડિયાણા ગામે બે દિવસમાં બે ચોરીની ઘટના સામે આવી છે જેમાં એક ઘટનામાં ઘરધણી જાગી જતા ચોરને મેથીપાક ચખાડીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો ત્યારે આ ઘટનાથી કોઇપણ પ્રકારનો ફર્ક નહીં પડતા ફરી એક વખત ચોરે મોટર રીવાઈન્ડીંગની દુકાનમાં હાથ ફેરો કર્યો હતો જેમાં મોટર રીવાઈન્ડીંગ, સ્પેર પાર્ટ તેમજ ત્રાંબાના વાયર સહીત આશરે એકાદ લાખના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. બનાવના પગલે ગ્રામજનોમાં ભારોભાર રોષ ફેલાયો છે અને ભોગ બનનારે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામે શિવશક્તિ સબમર્સિબલ પંપ સર્વિસ નામની દુકાનમાં બારીની ગ્રીલ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કરીને સબમર્સિબલ પંપના સ્પેર પાર્ટસ તેમજ ત્રાંબાના વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા જેમાં દુકાનદારના જણાવ્યા અનુસાર આશરે એકાદ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે અને વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા કડિયાણા ગામમાં ચોરી કરતા ચોરને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો પરંતુ આ ઘટના પછી પણ પેટ્રોલિંગમાં વધારો નહીં થતા ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે જ્યારે બનાવના પગલે ભોગ બનનાર દુકાનદારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.