રાજકોટ જિલ્લામાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરતાં કલેકટર અરૂણ મહેશ બાબુ
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઈટલ ઈન્સ્ટોલેશન, સેન્સેટિવ એરિયા જેવા કે વી.વી.આઈ.પી. રહેણાંક, અગત્યની સરકારી કચેરી સહીત સબ સ્ટેશન, મંદિરો, મસ્જિદ, ડેમ, ડેમસાઇટ, પુલ, વોટર ટ્રીટમેન્ટ વગેરેની સુરક્ષાને ધ્યાને લઈ ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ વિસ્તારમાં જુદાજુદા કારણોસર ડ્રોનથી શૂટિંગ કરવાની પરવાનગી માન્ય પોલીસ અધિકારી પાસેથી મેળવવાની રહેશે. આ આદેશો તા.3-6-22 સુધી અમલી રહેશે, જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાઓમાં
નોડલ અધિકારીઓની નિમણૂંક
જિલ્લામાં જળ સંચયને લગતાં કુલ 735 કામો મંજૂર થયા
જમીનમાં પાણીનું સ્તર વધે અને મીઠા પાણીનો સંચય થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અમલી બનાવવામાં આવ્યું છે. જે અન્વયે વર્ષ 2022 અંતર્ગત રાજકોટ જિલ્લામાં તળાવો ઊંડા કરવા, તળાવના ઓવારા સાફ કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ સહિતના જળસંચયને લગતાં જુદા જુદા વિભાગના કુલ 735 કામો મંજૂર કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન -2022’ અંતર્ગત જળસંચયની કામગીરીને લઈને જિલ્લાના 11 તાલુકાઓમાં એક-એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટમાં પી. આર. ઉમરાનીયા, પડધરીમાં વાય. ડી. ભુવા, જસદણ- વિંછીયામાં પી. ડી. ભોયા, લોધીકામાં પી. બી. કોઠીયા, કોટડાસાંગાણીમાં જે. કે. શેઠ, ગોંડલમાં વી. ડી. નકુમ, ધોરાજીમાં એન. સી.ખોરસીયા, જેતપુરમાં જી. કે. પોંકિંયા, ઉપલેટામાં જે. એમ.રાખસીયા અને જામકંડોરણામાં એમ. વી. મોવલીયાની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
‘મહિલા સ્વાવલંબન યોજના’ હેઠળ રાજ્ય સરકાર આપશે સબસીડી
રાજય સરકાર ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી તેમજ રોજગારલક્ષી નવી તકો ઉભી કરવાના હેતુથી કોઈ પણ નવા ઉદ્યોગ, ધંધો કે સેવાઓ શરૂ કરવા માટે નાણાંકીય પ્રોત્સાહન પુરુ પાડે છે. મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવતા નાના પાયાના ઉદ્યોગો કે સેવાઓ શરૂ કરતી વખતે રાજય સરકાર સહાય પુરી પાડે છે. ‘મહિલા સ્વાવલંબન યોજના’ કે જે રાજય સરકાર દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરવામાં આવી છે, તેમાં મહિલા લાભાર્થીઓને ક્ષેત્ર મુજબ અલગ-અલગ સહાય સબસીડીના રૂપે આપવામાં આવે છે. જેમાં ધંધા ક્ષેત્ર માટે કુલ રૂા. 15 હજાર, સેવા ક્ષેત્ર માટે કુલ રૂા. 20 હજાર અને કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ક્ષેત્ર માટે કુલ રૂા. 25 હજાર સુધીની મહત્તમ સહાય સબસીડી રૂપે આપવામાં આવે છે. જેમાં મહિલાઓ કે જે દિવ્યાંગતા ધરાવતી હોય, તેમના માટે સરકાર દ્વારા સબસીડી આપવા માટેના જુદા-જુદા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
જેમાં 40 ટકા કે તેથી ઓછી ક્ષતિ ધરાવનારી મહિલાઓ માટે કુલ રૂા. 25 હજાર અને 40 ટકાથી વધારે ક્ષતિ ધરાવનારી મહિલાઓ માટે કુલ રૂા. 30 હજાર સુધીની સહાય આપવામાં આવે છે.
આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય ગરીબી રેખા હેઠળ જીવતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન અપાવવા માટે લોનની સવલત આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી અરજીપત્રક મેળવી તેની સાથે જરૂરી પુરાવા જેવા કે, રેશનકાર્ડ, આવકનો દાખલો, જાતિ અને ઉંમરનું પ્રમાણપત્ર, બી.પી.એલ. દાખલો જમા કરાવી આપવાના રહેશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
માલવિયા ચોકમાં આવેલી સરકારી લાઈબ્રેરીના પરિસરમાં વૃક્ષો કાપી નખાતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દર ચોમાસે વૃક્ષારોપણની ઝૂંબેશ કરીને લાખો રૂપિયાનું આંધણ કરીને વૃક્ષોના વાવેતર કરીને ફોટા પડાવવાની હોડ જામે છે. પરંતુ જે વૃક્ષો બબ્બે દાયકાથી ધરતી ઉપરના દેવતા જેમ પર્યાવરણને રક્ષણ કરવામાં મદદ કરી રહ્યાં છે તેમની કત્લેઆમ કરતા સત્તાધિશો એક પળનો પણ વિચાર કરતા નથી. આજે રાજકોટના માલવિયા ચોકમાં આવેલા સરકારી પુસ્તકાલયમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહાનગરપાલિકામાં વૃક્ષ વાવો ઝુંબેશ શરૂ કરી દર વર્ષે લાખો રૂપિયા બગાડવામાં આવે છે. પરંતુ જૂના વૃક્ષોને જડમૂળમાંથી ઉખાડવામાં મનપા થોડું પણ વિચારતી નથી.
પુસ્તકાલય પરિષદમાં વૃક્ષો નડતરરૂપ હોવાના કારણે 13 વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. મનપાની ગાર્ડન શાખાએ કોઈપણ જાતની તપાસ વગર વૃક્ષો કાપવાની પરવાનગી આપી દીધી છે. જેને લઈને વૃક્ષો નીચે બેસીને પુસ્તકો વાંચતા વિદ્યાર્થીઓનો આશરો છીનવાઈ ગયો છે.