૧૩૬૦ આંગણવાડી સેન્ટરોમાં કિશોરીઓના થશે “હિમોગ્લોબીન ટેસ્ટ”
તા.૨૦ જૂન – રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકો-કિશોરીઓ-મહિલાઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અનેકવિધ હેતુલક્ષી કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવું જ એક અનોખું કાર્ય તા. ૨૨ જૂનના રોજ થવા જઈ રહ્યું છે.

- Advertisement -
૨૧ જૂન એટલે “ વિશ્વ યોગ દિવસ”. તંદુરસ્ત સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે. તેથી વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં ૧૩૬૦ આંગણવાડી સેન્ટરો પર જૂન મહિનાના ચોથા મંગળવાર એટલે કે “ પૂર્ણા દિવસ” પર તા. ૨૨ જૂનના રોજ કિશોરીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવશે. આ હિમોગ્લોબીન ટેસ્ટ કરવાની સાથે કિશોરીઓને તાલુકા સ્તરે ૧ થી ૩ ક્રમાંકમાં નંબર આપવામાં આવશે. તાલુકા સ્તરે વિજેતા બનેલી કિશોરીઓમાંથી જિલ્લા સ્તરે કિશોરીઓને ૧ થી ૩ ક્રમાંક આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લા સ્તરે વિજેતા થયેલી કિશોરીઓના નામ રાજ્ય સ્તરે મોકલવામાં આવશે. સાથો સાથ રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧૯ જૂન થી ૨૧ જૂન સુધી યોગ દિવસની ઉજવણી પણ થઈ રહી છે. વિવિધ યોગ-આસનો અને તેનાથી થતા લાભો વિશે માહિતી આદાન પ્રદાન કરીને યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટની યાદીમાં જણાવાયું છે.
આમ, કિશોરીઓને આરોગ્યલક્ષી હરિફાઈના માઘ્યમ દ્વારા રાજ્ય સરકાર અને સંબંધિત જિલ્લા વહિવટી તંત્રો તંદુરસ્ત સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ આપવાનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે.


