ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા આયોજિત ’સેવા પખવાડિયા’ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં ’નમો યુવા મેરેથોન’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના મુજબ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ મેરેથોન જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત હજારોની સંખ્યામાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. મેરેથોનના આયોજનમાં શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે. મેયર આકાશ કટારા અને દંડક કલ્પેશભાઈ અજવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન યુવા મોરચાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ’નમો યુવા મેરેથોન’ને સફળ બનાવવા માટે યુવા મોરચાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, અને સ્પોર્ટ્સ સંસ્થાઓએ પણ મેરેથોનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ દેશભરમાં એકસાથે 75 જગ્યાઓએ યોજાયેલી મેરેથોન પૈકીનો એક હતો. મેરેથોનમાં ભાગ લેનાર તમામ દોડવીરોને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન સ્વરૂપે તેમની એજ કેટેગરી પ્રમાણે મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.



