પવિત્રા અગિયારસના પવિત્ર તહેવાર નિમિત્તે જૂનાગઢના સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરને 151 કિલો વિવિધ પ્રકારના ફળોથી અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. આ નયનરમ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ અંગે માહિતી આપતા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ માસના દરેક સોમવારે સાંજે 7:30 વાગ્યે અને રાત્રે 12:00 વાગ્યે સંગીતના સથવારે મહાઆરતી કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢના ખ્યાતનામ કલાકારો દ્વારા ચારેય સોમવારે રાત્રિના સમયે શિવ આરાધનાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. મહંતશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના પાવન દિવસે ભૂતનાથ મહાદેવ મંદિરમાં મટકી ફોડ, દહીં હાંડી અને કૃષ્ણ જન્મોત્સવનો મનોરથ પણ યોજવામાં આવશે. વધુ જણાવ્યું હતું કે ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભૂતનાથ મંદિરમાં બ્રહ્મભોજન, બટુક ભોજન, ધ્વજારોહણ, રાજભોગ, સંધ્યા પ્રસાદ અને આખા દિવસનો મનોરથ જેવા ધાર્મિક કાર્યો કરાવે છે. આ તમામ કાર્યક્રમોનો લાભ લેવા માટે સમગ્ર જૂનાગઢના શિવભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Follow US
Find US on Social Medias