દાદાને નૂતન ધ્વજારોહણ, ચાર પ્રહરની આરતી કરવામાં આવી, પાલખી યાત્રા અને સાંજે વિશેષ શૃંગાર કરાયો
104 સોમેશ્ર્વર મહાપૂજા, 69 ધ્વજારોહણ, 1973 રુદ્રાભિષેક પઠન, 67 પાઠાત્મક લઘુરુદ્ર, 9 પાઠાત્મક મહારુદ્ર ભક્તો દ્વારા કરાયા
77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક, 3500 થી વધુ લોકોએ પાર્થેશ્ર્વર પૂજન કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી
- Advertisement -
પાર્થેશ્ર્વર પૂજામાં 3500 લોકો જોડાયા, આહીરો પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા
રાજ્યના ગૃહમંત્રી, પ્રદેશ ભાજપ મહામંત્રી, પૂર્વ મુખ્યમંત્રી સહિત સંધ્યા આરતી સુધી 60 હજાર લોકોએ પ્રત્યક્ષ દાદાના દર્શન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.27
મહાશિવરાત્રી પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કપાટ વહેલી સવારે 4 વાગ્યે જ ભક્તો માટે ખૂલ્યા હતા.મંદિરના દ્વારા ખુલતાની સાથે જ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.સવારે 6 વાગ્યે મહાદેવની પ્રાત: મહાપૂજા અને 7 વાગ્યે આરતી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.ત્યાર બાદ 8:30 કલાકે નૂતન ધ્વજારોહણ કરાયું હતું.9 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાનની પાલખીયાત્રા નીકળી હતી.જેમાં જાણે મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્ર્યો સર્જાયા હતા.10 કલાકે પાઘપૂજન શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી.આ ઉપરાંત સવારે 8 વાગ્યાથી મારુતિ બીચ ખાતે યોજાયેલ પાર્થેશ્ર્વર પૂજનમાં પણ 3500 થી વધુ લોકો જોડાયા હતા.ત્યારે સમગ્ર દિવસ દરમિયાન મહાદેવને વિવિધ શૃંગાર પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર સોમનાથ મંદિર પરિસર અને ગર્ભગૃહને પણ વિશેષ ફૂલો અને લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
104 સોમેશ્ર્વર પૂજા નોંધાઈ, 69 ધ્વજા ચઢવવામાં આવી
- Advertisement -
સમગ્ર દિવસ દરમિયાન સોમનાથ મંદિરમાં 104 સોમેશ્ર્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે શ્રી સોમનાથ મહાદેવને 69 ધ્વજાશિખર પર આરોહિત કરવામાં આવી હતી. સાથે શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 1973 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ પાઠાત્મક 67 લઘુરુદ્ર યજ્ઞ, અને 9 પાઠાત્મક મહારુદ્ર પણ સંપન્ન થયા હતા. આ સાથે 77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.
ગૃહમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી પણ સોમનાથના શરણે પહોંચ્યા
મહાશિવરાત્રીના ખાસ પ્રસંગે શિવભક્તો મહાદેવના દર્શન કરવા જતા હોય છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી તેમજ ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે મહાશિવરાત્રીના પાવન પર્વ પર દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની મદદ માટે 40 થી વધુ રક્તની બોટલ તેમની આધુનિક વેનમાં જ એકત્ર કરવામાં આવી હતી.
પાર્થેશ્ર્વર પૂજનમાં આહીર સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા
સોમનાથ સાનિધ્યે છેલ્લા 2 વર્ષથી પાર્થેશ્ર્વર પૂજનનુ આયોજન સમુદ્ર દર્શન પથ નજીક કરવામાં આવે છે.જેમાં ગત વર્ષે 1000 જેટલા લોકો જોડાયા હતા તો આ વર્ષે ત્રણ ગણાથી વધુ 3500 જેટલા લોકો જોડાયા હતા.ખાસ કરીને આહીર સમાજના લોકો આજની પેઢીને પોતાની સંસ્કૃતિનો ખ્યાલ આવે તેવા આશયથી પોતાના પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને દ્વિતીય પ્રહરે વિવિધ સુગંધિત પુષ્પો, સુકામેવા અને પીતાંબર દ્વારા અલૌકિક શૃંગાર કરવામાં આવેલ.
તૃતિય પ્રહર પૂજનમાં ભસ્મ પીતાંબર પૂષ્પોનો મનમોહક શૃંગાર કરવામાં આવેલ.
ચતુર્થ પ્રહરમાં ચંદન શ્ર્વેત પૂષ્પો અને પીતાંબરથી શૃંગારીત મહાદેવના દર્શનની આહલાદક ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.
શાસ્ત્રોમાં પ્રહર પૂજનનું વિશેષ માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, અને આ પવિત્ર પળના સાક્ષી બનવા માટે દેશના વિવિધ પ્રાંતોમાંથી ભક્તો દુર દુરથી ઉમટી પડે છે.
ચારેય પ્રહર નાં શૃંગાર નાં દર્શન થી મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય આભા દ્વારા ગુંજી ઉઠ્યું હતું. ભક્તો માટે આ દિવ્ય શૃંગારનું દર્શન અનન્ય અને અનમોલ અનુભવ બની રહ્યો હતો.