પ્રી-સ્કૂલ સંચાલકોના અલ્ટિમેટમ બાદ સરકારનો નિર્ણય
રાજ્યવ્યાપી વિરોધ બાદ શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં સુખદ ઉકેલ, ટૂંક સમયમાં ફેરફાર કરાયેલા નિયમો જાહેર કરાશે
- Advertisement -
સરકારના નિર્ણયથી સંચાલકોમાં સંતોષ : શાળા સંચાલક મંડળના પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં ચાલતી હજારો પ્રિ-સ્કૂલ માટે સરકારે કડક નિયમોની અમલવારી કરતા જ પ્રિ-સ્કૂલ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું. પ્રિ-સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતા સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલય પહોંચી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ગઈકાલે (બુધવારે) પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની ત્રણ માગણીઓનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરાશે.
પ્રિ પ્રાઇમરી શાળા સંચાલકો પાછલા કેટલાક સમયથી રાજ્યભરમાં વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા હતા. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ પ્રાઇમરી શાળા ચલાવતા સંચાલકો માટે કેટલાક નવા નીતિ નિયમો જાહેર કર્યા હતા.જેમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર,એજ્યુકેશન બિયુ પરમિશન,દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજીસ્ટ્રેશન ફી,ટ્રસ્ટ કે સંસ્થાનું રજીસ્ટેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા.
આ નિયમો સામે શાળા સંચાલકોમાં નારાજગી હતી અને વિરોધ નોંધાવી રહ્યા હતા. જોકે હવે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની ગઈકાલની બેઠકમાં મહત્વની ત્રણ માગણીનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે નવા નિયમો સાથે રજિસ્ટ્રેશન કરાવવું અઘરું હતું.જેથી અનેક સ્કૂલોએ હજુ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી ન હતી.પરંતુ ગઈકાલે બેઠક થઈ તેમાં કેટલાક નિયમો હળવા કરવાની ચર્ચા કરવામાં આવી હતી. જેથી આગામી સમયમાં તમામ સ્કૂલો રજીસ્ટ્રેશન કરાવશે.આ નિર્ણયથી સંચાલકોમાં પણ સંતોષ છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં નવા નિયમો અને મુદતમાં વધારો જાહેર કરવામાં આવશે
- Advertisement -
આ નિયમમાં મળી રાહત
15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારની બદલે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર કરવાનો રહેશે.
વર્ગદીઠ 5 હજાર ભરવાની બદલે આખી શાળા માટે 10 હજારની ફી રજિસ્ટ્રેશન પેટે ભરવાની રહેશે.
પ્રિ-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન સમય મર્યાદા ફેબ્રુઆરીને બદલે 6 મહિના સુધી વધારવામાં આવી.