ડૉક્ટરે કહ્યું- સ્ટ્રેસ, અનિયમિત ભોજન અને લાઈફસ્ટાઇલના કારણે તબિયત લથડી, ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
ગઈકાલે રાજકોટમાં લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું. દરમિયાન પોતાનો મત આપ્યા બાદ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવતા તેમને આટકોટ ખાતેની કે. ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પછી સાંજે તેમને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમની તબિયત સુધારા ઉપર હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવવા લાગતા રામ મોકરિયાને આટકોટ ખાતેની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે બાદમાં સાંજે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં રામ મોકરિયાની તબિયત હાલ સુધારા ઉપર હોવાનું ગોકુલ હોસ્પિટલનાં ડોક્ટર પ્રકાશચંદ્ર મોઢાએ જણાવ્યું હતું. રામ મોકરિયાની તબિયત અંગે માહિતી આપતા ડોક્ટર પ્રકાશચંદ્ર મોઢાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ અમરેલી જતા હતા. ત્યારે રસ્તામાં તેમને ચક્કર આવ્યા અને થોડું તાવ જેવું હતું. જેને લઈને કે. ડી. પરવાડિયામાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં બ્લડપ્રેશર લો હોવાથી બાટલાઓ ચડાવી સ્ટેબલ કર્યા બાદ તેમને અહીં ગોકુલ હોસ્પિટલમાં લાવ્યા હતા. તપાસ દરમિયાન સ્ટ્રેસ, અનિયમિત ભોજન અને લાઈફસ્ટાઇલનાં કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ રામભાઈની તબિયત સુધારા ઉપર છે. છતાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે.