ઓરેવા-જયસુખ પટેલનું પાપ છાપરે ચડી બોલ્યું
હોનારતનાં દિવસે 100ની ક્ષમતા સામે 3165 ટિકિટ ઈશ્યુ થઇ હતી
- Advertisement -
ઓરેવા કંપનીનાં માલિક જયસુખ પટેલ હજુ પણ ભૂગર્ભમાં અને તેની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી!
બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતાં: સિક્યુરિટી ગાર્ડને કોઇ ટ્રેઈનિંગ અપાઈ ન હતી, લેબર કોન્ટ્રાકટર જ હતાં
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પુલ હોનારત બાદ પુલનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એક્ઝામિનેશન (ઋજક) રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બ્રિટિશ સ્ટ્રક્ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ રીતે થયાનું ખુલ્યું છે. નોંધનીય છે કે, 30 ઓક્ટોબરનાં રોજ મોરબી પુલ હોનારતે 135 લોકોનાં જીવ લીધા હતા. અકસ્માતના ગુનામાં પકડાયેલા નવ પૈકીના આઠ આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન મોરબીની સ્થાનિક કોર્ટમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ કોર્ટની કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્યું હતુ કે, ઓરેવા ગ્રુપે બ્રિજનો જેને રખરખાવ અને સિકયુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમણે તે દિવસે એટલે 30 ઓક્ટોબરનાં રોજ 3165 ટિકિટ ઇસ્યુ કરી હતી. જેમાં તેમણે કઇ રીતે આ બ્રિજ આટલા માણસોનું વજન ઉપાડશે તે પણ વિચાર્યું ન હતુ. બ્રિજની ટિકિટ આપવા માટે બે માણસો રાખવામાં આવ્યા હતા પરંતુ તે બંને વચ્ચે કોઇ તાલમેલ ન હતો. તેમને ખબર ન હતી કે બીજાએ કેટલી ટિકિટ ઇસ્યુ કરી છે. આટલી બધી ટિકિટ ઇસ્યુ કરવા અંગે પણ તેમની પાસે કોર્ટમાં કોઇ જવાબ ન હતો. એફએસએલ રિપોર્ટનાં જણાવ્યા પ્રમાણે, બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા.
સોમવારે જ્યારે આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઇ રહી હતી ત્યારે મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ પી. સી. જોષી સામે આ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં ત્રણ સિકયુરિટી ગાર્ડ અલ્પેશ ગોહીલ, દિલીપ ગોહીલ અને મુકેશ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી. આ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે આ લોકોને કોઇ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. તેઓ માત્ર લેબર કોન્ટ્રાક્ટર જ હતા. તેમાં તે પણ જણાવવામાં આવ્યુ હતુ કે, તે દિવસે તેમને ભીડને કાબુમાં રાખવા માટેની જવાબદારી આપવામાં આવી હતી.
દુર્ઘટનાના આરોપીઓનાં જામીન અંગે કાલે સુનાવણી થશે
મોરબી સહિત દેશભરમાં ચર્ચિત ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા 9 આરોપી પૈકી 8 આરોપીએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી જેનાં પર આજે તા. 21ના રોજ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને આજે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી તા.23 નવેમ્બર પર મુલતવી રાખી છે. પોલીસ તરફે સરકારી વકીલ વિજય જાની તેમજ આરોપી તરફથી તેમના વકિલ દ્વારા દલીલ કરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા આરોપીની જામીન અરજી પર વાંધો ઉઠાવાયો હતો અને દલીલમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે.
આ કેસ અત્યંત ગંભીર હોય પોલીસ આ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ ચલાવી રહી છે, અને કેસમાં હજુ મહત્વના પુરાવાઓ પણ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આરોપીઓને જામીન મળશે તો તપાસમાં તેની અસર પડશે જેથી તેમની અરજી નામંજૂર કરવામાં આવે. બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ તેમના અસીલની જામીન અરજી મંજૂર કરવા માટે જરૂરી તથ્યો રજૂ કર્યા હતા. બંને પક્ષની દલીલ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન અરજી પર આગામી સુનાવણીની આગામી તારીખ 23 મુકરર કરી હતી અને હવે 23મીએ આ અંગે મેજિસ્ટ્રેટ તેમનો નિર્ણય સંભળાવશે.