મંદિરે આકર્ષક રંગોળી, ચોપડા પૂજન લક્ષ્મી પૂજન સહિતનાં કાર્યક્રમ યોજાશે
ખાસ ખબર સંવાદદાતા
સોમનાથ મહાદેવ મંદિર દિપાવલી અને નૂતન વર્ષના શુભ પર્વે તેલયુક્ત હજારો દીવડાઓના પ્રાગટ્યથી ઝળહળી ઉઠશે.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે,દિપાવલીના શુભ પર્વોમાં દેશ વિદેશના લાખો યાત્રિકો સોમનાથ આવતા હોય છે,ત્યારે તેમની યાત્રા શ્રધ્ધા સાથે સ્મરણીય બને તે માટે મંદિરમાં થીમ આધારિત સુંદર વિશાળ વિશેષ રંગોળી બનાવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહોને રંગબેરંગી આકર્ષક લાઈટોથી શણગારતા ભાવિકો આકર્ષક રોશનીનો નજારો માણી શકશે. તેમજ રાત્રિના આતશબાજી કરી રોશનીનો પર્વ મનાવવામાં આવશે.વિશેષમાં જણાવાયું છે કે,સંધ્યા સમયે રોશનીના પર્વને અનુરૂપ સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરાશે ઉપરાંત ટ્રસ્ટ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરશે.જે પ્રતિ વર્ષ કરવામાં આવે છે.એસ.ટી વિભાગ તરફથી પણ તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન થયેલ છે. તેમાં મુસાફરોને ઓનલાઈન સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.