મેંદરડા સહીત ઘેડ પંથકમાં જમીન અને ખેતી પાકનું ધોવાણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા. 21
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ હાહાકાર મચાવતા ગત રોજ મેંદરડામાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં માત્ર ચાર કલાકના સમયગાળામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલ અતિ ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ચારે તરફ પાણી જ પાણી જોવા મળતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અતિ ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ અને નાળાઓ ગાંડાતૂર બન્યા હતા અને બે કાંઠે વહેવા લાગ્યા હતા. નદીઓના પ્રવાહ ખેતરોમાં ઘૂસી જતાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી, કપાસ અને અન્ય ચોમાસુ પાકો પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો નદી કિનારે આવેલા છે, ત્યાં ખેતરોનું વ્યાપક ધોવાણ થયું છે. મગફળી પાક સહિતના અનેક પાકો પાણીના પ્રવાહમાં તણાઈ જતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી પાક વીમાની ચૂકવણી કરવાની માંગ કરી છે, જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે. જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ગત રોજ કેશોદ, વંથલી અને માણાવદરમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ઓઝત, સાબલી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઓઝત નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે અનેક જગ્યાએ તેના પાળા તૂટી ગયા હતા, જેના પરિણામે ખેતરોમાં પાણી ઘૂસી ગયું હતું.
- Advertisement -
આના કારણે ખેતી પાક અને જમીનનું ધોવાણ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને ઘેડ પંથકમાં સૌથી વધુ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં પાણીના નિકાલની સમસ્યા પણ ગંભીર બની છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સમગ્ર સિઝનનો કુલ 92.60% જેટલો જંગી વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 8417 એમ.એમ. વરસાદ નોંધાયો છે, જે પાછલા વર્ષોની સરખામણીમાં ઘણો વધારે છે. સૌથી વધુ વરસાદ મેંદરડા તાલુકામાં 97.35% જેટલો નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં વરસાદે કેવું તાંડવ મચાવ્યું છે. જિલ્લામાં આવેલા કુલ 10 જેટલા ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે. તેમાં સૌથી વધુ ઓઝત-2 ડેમમાં 0.60 મીટરની સપાટી નોંધાઈ છે. હાલમાં આ ડેમમાં 3664 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતિને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ, લોકોને સલામત સ્થળે આશ્રય આપવા અને સ્થળાંતર જેવી કામગીરી ચાલી રહી છે. મેંદરડા અને કેશોદ ખાતે બે બચાવ ટીમો એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.સમગ્ર જિલ્લામાં કુલ 25 સાયક્લોન શેલ્ટર ઉપલબ્ધ છે, જેમાં કુલ 630 અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે આશ્રય આપવામાં આવ્યો છે.
માંગરોળ તાલુકામાં 20 સાયક્લોન શેલ્ટર અને માળિયામાં 5 સાયક્લોન શેલ્ટર કાર્યરત છે. માણાવદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી 555 લોકો, માંગરોળ તાલુકાના નવા કોટડા ગામેથી 25 લોકો અને કેશોદ તાલુકામાંથી 50 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વહીવટી તંત્ર અને નાગરિકો માટે ચિંતા વધી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.


