કાંતિભાઈનાં સમર્થનમાં મેસેજ વાયરલ થયા
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે તા. 20 જુલાઈના રોજ મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જે બેઠક અંગે આમંત્રણનો મેસેજ કાર્યકરોને મોકલવામાં આવ્યો હતો જેમાં અનેક પદાધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ભાજપના પાયાના પથ્થર કહી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામની બાદબાકી કરવામાં આવતા કાંતિલાલના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠકના આમંત્રણ અંગે કાર્યકરોને મેસેજ મોકલવામાં આવ્યો હતો જે મુજબ આ મીટીંગમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા તેમજ જીલ્લા અને તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ પ્રભારીઓના નામ લખવામાં આવ્યા હતા જોકે આમાંથી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નામની બાદબાકી કરવામાં આવી હતી ત્યારે આને પગલે કાંતિલાલ અમૃતિયાના સમર્થકોમાં નારાજગી પ્રસરી ગઈ હતી અને સમર્થકો દ્વારા સોશિયલ મીડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
જેમાં લખવામાં આવ્યું છે કે, મોરબીમાં ગમે તેવા કપરા સમયમાં હરહંમેશ જનતાની સાથે જોડાયેલા તેમજ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની મોરબી જીલ્લાના હોદેદારો દ્વારા અવારનવાર અવગણના કરવામાં આવી રહી છે અને 20 જુલાઈએ મીટીંગ યોજાનાર છે પણ આ મીટીંગમાં કાંતિભાઈ અમૃતિયાની અવગણના કરવામાં આવતા અનેક કાર્યકર્તાઓમાં રોષની લાગણી અનુભવાઈ છે.