તંત્રએ તાત્કાલિક સફાઈ કરાવતા મોટી દુઘર્ટના ટળી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની ઠાકર હોટલ નજીક આજે સવારના સમયે બ્રિજ પર ઓઈલ ઢોળાઈ જવાની ઘટના સામે આવી હતી. ઓઈલનાં કારણે ત્યાંથી પસાર થતા 10 જેટલા વાહન ચાલકો લપસ્યા હતા. આ પૈકી ત્રણ વાહન ચાલકોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. જોકે આ અંગેની જાણ થતાં તંત્ર દોડી ગયું હતું અને રસ્તો બંધ કરાવી પાણીનો મારો ચલાવી ઓઈલ સાફ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યા હતા. આ અંગે સ્થળ પર હાજર નાગરિક રાઠોડ વિરેન્દ્રનાં જણાવ્યા મુજબ તેઓ પસાર થતાં હતા. બરાબર આ સમયે બ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાના કારણે અમુક વાહન ચાલકો સ્લીપ થયા હતા. જેને લઈને અમે વાહન સાઈડમાં મૂકીને લોકોને બ્રિજ પર જતાં રોકવા માટે જ ઉભા રહી ગયા હતા. આ અંગે તંત્રને જાણ કરાઈ હતી. જાણ કર્યાની 10 મિનિટમાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી ઓઈલ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આ પહેલા 10 જેટલા લોકો સ્લીપ થયા હતા. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા થઇ હતી. આ ઘટનાને પગલે થોડીવાર માટે બ્રિજની એક સાઈડ બંધ કરવામાં આવતા ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી.
લોકોને બ્રિજ પર જતાં રોકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બ્રિજ પરથી ઓઈલની સફાઈ કરાય ત્યાં સુધી આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ગંભીર ઇજા કે મોત થયું નહોતું. તંત્રએ ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
રાજકોટમાં બ્રિજ પર ઓઈલ ઢોળાયું: 10 જેટલા વાહનો લપસ્યા, ત્રણને સામાન્ય ઇજા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-1.10.31-PM-860x471.jpeg)