ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ વહીવટી ફેરફારોમાં નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને તેના પ્રથમ વહીવટી વડાઓ મળી ગયા છે.
ગુજરાત સરકારે અઠવાડિયા પહેલાં જ વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. ત્યારે આ નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પોલીસ અધિક્ષક, કલેક્ટર અને ડીડીઓની નિયુક્તિ કરાઈ છે. વાવ થરાદવાસીઓને જાણે નવરાત્રિની ભેટ મળી છે. રાજ્ય સરકારે નવરચિત વાવ-થરાદ જિલ્લાને તેમના પ્રથમ પોલીસ અધિક્ષક (SP) મળ્યા છે. બોટાદના હાલના SP ચિંતન તેરૈયાની વાવ-થરાદના પ્રથમ SP તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના કલેક્ટર પદે જે.એસ. પ્રજાપતિની નિયુક્તિ કરી છે. 2014ની બેચના આઇએએસ ઉપરાંત મોરબીના ડીડીઓ જે.એસ. પ્રજાપતિને બઢતી આપીને કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત 2021ની બેચના આઇએએસ અધિકારી કાર્તિક જીવાણીને વાવ થરાદ જિલ્લામાં ડીડીઓ તરીકે જવાબદારી સોપવામાં આવી છે. કાર્તિક જીવાણી હાલ વલસાડ જિલ્લામાં પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જેમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઇગામ, દિયોદર અને કાંકરેજ એમ કુલ મળીને આઠેક તાલુકાનો સમાવેશ કરાયો છે.
