જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોનાં વિકાસનાં કામને મંજુરી
જૂનાગઢમાં 57.14 લાખનાં ખર્ચે LED સ્ક્રીન મુકાશે
- Advertisement -
ડસ્ટબીનનાં ઠેકાણાં નથી ત્યારે ફરી 100 લિટરની 300 ડસ્ટબીન ખરીદાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કરોડો રૂપિયાનાં વિકાસનાં કામને મંજુરી આપવામાં આવી છે. એટલું જ નહી શહેરમાં રૂપિયા 54.14 લાખનાં ખર્ચે સ્વચ્છતાનાં પ્રચાર-પ્રસાર માટે એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે. આગાઉ કમિશ્ર્નરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. પરંતુ અંતે તો સ્થાયી સમિતિમાં પણ કમિશ્ર્નર અને સેનિટેશન શાખાનાં સુપ્રિટેન્ડેન્ટનું ચાલ્યું છે. વિરોધ વચ્ચે પણ એલઇડી સ્ક્રીનને મંજુરી આપી દેવામાં આવી છે. જૂનાગઢમાં હાલ ડસ્ટબીન મુકવામાં આવી છે. જેના કોઇ જ ઠેકાણા નથી ત્યારે ફરી 100 લિટરની 300 ડસ્ટબીન ખરીદવામાં આવશે. મનપાની સેનિટેશન શાખા પાણીને જેમ રૂપિયા વહાવી રહી છે. પરંતુ શહેરમાં સ્વચ્છતાને લઇ સવાલ ઉઠતા રહે છે.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતની બેઠક હરેશભાઇ પરસાણાનાં અધ્યસ્થાને મળી હતી. આ બેઠકમાં કરોડો રૂપિયાનાં વિકાસનાં કામને મંજુરી આપવામાં આવી હતી. તેમજ બાકી હાઉસ ટેક્ષમાં વ્યાજ માફીની યોજના 30 જૂને પૂરી થતી હોય તેની મુદ્દતમાં 1 મહિનાનો વધારો કરાયો છે. જ્યારે ચાલુ વર્ષનો વેરો ભરવા પર 10 ઓફલાઇનમાં અને ઓનલાઇનમાં 2 ટકા વધુ એટલેકે 12 ટકાની રાહત પણ આપવામાં આવશે.જ્યારે વોર્ડ વાઇઝ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ ટોરેન્ટ ગેસ માટે ખોદાયેલા રોડની અને ચોમાસામાં રોડને નુકસાન થાય તો તેના રિપેરીંગ માટે 1.18 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જ્યારે કૃષિ યુનિવર્સિટી સાથે એમઓયુ કરી મનપા દ્વારા ઓક્સિજન ગાર્ડન બનાવાશે. 24 કલાક સ્વચ્છ વાતાવરણ મળી રહે અને બગીચા સુશોભિત રહે તે માટે કરાયેલા એમઓયુમાં કૃષિમાં અભ્યાસ કરતા બાગાયત તાલીમાર્થીઓને માસિક 13,000ના ઇન્સેટિવ અપાશે. સાથે બાંધકામ શાખાની વિવિધ ગ્રાન્ટ અને વાર્ષિક ભાવોના ટેન્ડર પ્રક્રિયાને મંજૂર કરી આશરે 7.50 કરોડના વિકાસ કામોને પણ મંજૂરી અપાઇ છે.મનપા સંચાલિત કુલ 14 ખાનગી તમામ ટોઇલેટ બ્લોકમાં યોગ્ય રીતે સફાઇ અને ઉપયોગ થાય તે માટેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે. તેમજ સેનિટેશન શાખા માટે 100 લિટરના 300 ડસ્ટબીન ખરીદવાની દરખાસ્તને પણ મંજૂર કરાઇ છે. જ્યારે કુલ 92 હોર્ડિંગ્સ બોર્ડની સાઇટો કોન્ટ્રાક્ટ બેઇઝથી ભાડે અપાશે. ગાંધીનગર ઇવનગર રોડ પર પમ્પિંગ સ્ટેશન સુધી ગટર બનાવવામાં એક તરફ કૃષિ કેમ્પસ હોય રોડ પર ગટરની લાઇન નાંખવા 47,15,000ની રકમને મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
કોંગ્રેસે વિજીલન્સ તપાસની માંગ કરી
કોંગી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનાં શાસક પક્ષની મીલી ભગતથી બે વખત પેન્ડીંગ રાખવામાં આવેલી એલઇડી સ્ક્રીનની કમિશ્ર્નરની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. સેટીંગ થઇ જતા પ્રજાનાં ટેકસનાં નાણામાંથી પ્રચાર – પ્રસાર માટે અડધો કરોડનાં ખર્ચે 4 એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે. ભ્રષ્ટાચાર યુકત કામગીરીને સ્ટેન્ડીંગ કમીટી તરફથી લીલી ઝંડી આપવામાં આવી છે. તેનાથી પ્રજાનાં પ્રાથમીક સુવિધામાં કોઇ વધારો કે સુધારો નહી થાય. માત્ર ભ્રષ્ટાચાર કરવાની રીત રસમ અપનાવાઈ છે. આની વિજીલન્સ તપાસની માંગ છે. શહેરમાં અનેક સુવિધાનો અભાવ છે.
પહેલા દરખાસ્ત મંજૂર કેમ ન કરી ?
કમિશ્ર્નરે પહેલા બે વખત દરખાસ્ત કરી હતી. પરંતુ સ્થાયી સમિતિએ પેન્ડીંગ રાખી હતી. જો આ દરખાસ્ત યોગ્ય જ હતી તો પહેલા કેમ મંજુર કરવામાં ન આવી ?તેવા સવાલ ઉભા થયા છે.