ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળો સંપન્ન થયો જેમાં લાખો ભાવીકો જોડાયા હતા અને કોઈ ભાવિકોને અગવડતા ન પડે તેના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે પદાધિકારો સતત ખડેપગે રહીને મેળામાં દેખરેખ રાખી હતી જયારે મેળો શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થતા ગિરનારના વરિષ્ઠ સંતો દ્વારા મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સંતો હસ્તે તંત્રના અધિકરીઓનું સન્માન કરાયું હતું.
ગિરનારના વરિષ્ઠ સંત શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેની સાથે શ્રી મુક્તાનંદ બાપુની સાથે શ્રી હરિગીરી બાપુ અને શ્રી સતગીરી બાપુએ કલેકટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી સહિત મહાનગરપાલિકા, પીજીવીસીએલ, સહિતના વિભાગના અધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.