વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાઈ
સરકારી બોય્ઝ હાઇસ્કુલથી શરૂ થયેલી આ દોડ ટાવરચોક-સટટાબજાર, સ્વામિનારાયણ મંદિરને આવરી લઈ સુભાષ રોડ-શાકમાર્કેટથી ટાવર ચોકમાં પૂર્ણ થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી બોય્ઝ હાઇસ્કુલ વેરાવળથી સટ્ટાબજાર, શાકમાર્કેટ, સુભાષ રોડ થી ટાવર ચોક સુધી ’રન ફોર યુનિટી’ દોડ યોજાઈ હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ સરકારી બોય્ઝ હાઇસ્કુલથી ’રન ફોર યુનિટી’ દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરકારી બોય્ઝ હાઇસ્કુલ વેરાવળથી શરૂ થયેલી આ દોડ ટાવરચોક થી થઈ સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાકમાર્કેટથી ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી. સમગ્ર દોડના આ રૂટ પર સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી અને દોડવીરોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર એ દેશના યુવાનો માટે આદર્શ છે. યુવાનોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અને વ્યસનમુકત જીવનની સાથે જ નિયમિત વ્યાયામ પણ કરવો જોઈએ. દેશની અખંડિતતા અને એકતા માટે સરદારે કરેલા ભગીરથ કાર્યો હંમેશા આવતી પેઢીને પણ સ્મરણમાં રહેશે. આ તકે ઉપસ્થિત સર્વેએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરતાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો.



 
                                 
                              
        

 
         
         
        