આરોપીઓ મકાન ભાડે રાખીને દિવસે રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા
ચોરાયેલાં મુદ્દામાલ સહિત 4 કાર અને રોકડ મળી કુલ 43.78 લાખનો મુદ્દામાલ જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના કેમ્પસમાં આવેલા સ્ટોર રૂમની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ સબમર્શીબલ પંપ, મોટર સેટ તથા મોટર 11 તથા જુદી જુદી સાઇઝના 10,133 મીટરના કેબલ મળી કુલ રૂ. 23,14,314 ના માલ-સામાનની ચોરી કરી હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે તાલુકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી જો કે આરોપી હાથમાં ન આવતા આ ફરિયાદની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આ તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે આરોપી સુનીલ મનજીભાઇ સોલંકી, પુરારામ ઉર્ફે પંકજ મંગારામ ચૌધરી પટેલ, બનાલાલ ઉર્ફે વનાભાઇ સૌગાજી, દિનેશ ઉર્ફે દિનો કેશાભાઇ પરમાર, મગનારામ ઉર્ફે મગન વિરપારામ ચૌધરીને પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી ચોરાયેલ રૂ. 23,24,344 ના મુદ્દામાલ ઉપરાંત રોકડા 2 લાખ, 2 બોલેરો કાર, 2 ક્રેટા કાર મળી કુલ રૂ. 43,78,690 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, તેઓ અલગ-અલગ શહેરમાં ભાડાના મકાનમાં રહે છે અને દિવસ દરમિયાન જુદા-જૂદા વિસ્તારમાં રેકી કરે છે અને જ્યાં પણ મોકો મળે એટલે રાત્રિના સમયે ગોડાઉન, દુકાનો, ફેક્ટરી, મકાન કે ઓફિસમાં બારી કે દરવાજામાં તોડફોડ કરી પ્રવેશ કરી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જાય છે.