ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કોના નામ નક્કી કરશે?
કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે અવઢવ, કોણ કપાશે?
- Advertisement -
આમ આદમી પાર્ટીએ પાંચ ઉમેદવાર જાહેર કર્યા
ટિકિટ લેવા ઉચ્ચ કક્ષાએ લોબિંગ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચૂકી છે. જૂનાગઢ જિલ્લાની પાંચેય બેઠકનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે ત્યારે ભાજપ દ્વારા એક પણ ઉમેદવારને જાહેર કર્યા નથી જ્યારે કોંગ્રેસ દ્વારા માણાવદર બેઠકના અરવિંદ લાડાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બાકી અન્ય ચાર બેઠકના નામની યાદી બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં ચેતન ગજેરા, વિસાવદરમાં ભુપત ભાયાણી, માણાવદરમાં કરશનભાઈ ભદરકા, કેશોદમાં રામજી ચુડાસમા, માંગરોળમાં પિયુષ પરમાર નામની યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ ભાજપ દ્વારા ત્રણ બેઠકોનાં નામ નક્કી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જેમાં વિસાવદરમાં હર્ષદ રીબડીયા, કેશોદમાં દેવાભાઇ માલમ, માણાવદરમાં જવાહર ચાવડા ચૂંટણી લડી શકે છે. ત્યારે જૂનાગઢ અને માંગરોળ બેઠકમાંથી કોને ટિકિટ મળશે એ કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને કાલે આ સંદર્ભે જાહેરાત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે જૂનાગઢની વાત કરીએ તો રઘુવંશી સમાજમાંથી મહેન્દ્રભાઈ મશરુ, ડોલરભાઈ કોટેચા, ગિરીશ કોટેચાનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. અને બ્રહ્મસમાજમાંથી પુનિત શર્મા, જયદેવ જોશી અને કે.ડી.પંડયા તેની સાથે મહિલા ઉમદેવાર શિલ્પાબેન જોશી, આદ્યશક્તિ મજમુદાર, આરતીબેન જોશી સહિત અનેક નામ ચર્ચામાં છે.
- Advertisement -
જ્યારે પાટીદાર સમાજમાંથી ભાવનાબેન હિરપરા, ડો.ડી.પી. ચીખલિયા, સંજય કોરડિયા, નિલેશ ધુલેશિયા સહિત અનેક ઉમેદવારોએ ટિકિટ માંગી છે. જૂનાગઢ બેઠક માટે ભાજપ દ્વારા નામ નક્કી કરવામાં ખૂબ અવઢવ જોવા મળી રહી છે. બીજી તરફ 40 જેટલા મુખ્ય આગેવાનોએ ટિકિટ માંગી છે. આજ રીતે માંગરોળ બેઠક માટે પણ ખુબ મોટા પ્રમાણમાં આગેવાનોએ ટિકિટ માંગી છે. હવે ભાજપ મોવડી મંડળ પક્ષના કાર્યકરો સાથે જ્ઞાતિ ફેકટરને ધ્યાને રાખીને ટિકિટ કોને આપશે તે મોટો સવાલ છે. આજ રીતે કોંગ્રેસમાંથી જૂનાગઢમાં ભીખાભાઈ જોશી, માણાવદરમાં અરવિંદ લાડાણી, કેશોદમાં હીરાભાઈ જોટવા, માંગરોળમાં બાબુભાઈ વાજાના નામો ફાઇનલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વિસાવદરની બેઠક પરથી કોંગ્રેસ કોને ટિકિટ ફાળવે છે જોવાનું રહ્યું. હાલ તો બે પક્ષોમાંથી ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવાર સ્થાનિક લેવલથી લઈને ગાંધીનગર અને દિલ્હી સુધી લોબિંગ કરીને ટિકિટ મળે તેવા ધમપછાડા કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપ કાર્યકરો કે જ્ઞાતિ ફેટકટર ધ્યાને રાખશે?
જૂનાગઢ વિદ્યાનસભાની પાંચ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો કે જ્ઞાતિ ફેકટર અથવા જીતી શકે તેવા બાહુબલી નેતાને ધ્યાને રાખીને ટિકિટ ફાળવણી કરશે તેના પર સૌ કોઈ ઉમેદવારની મીટ મંડાઈ છે અને પાર્લામેન્ટરી બોર્ડ કોના શિરે ટિકિટનો તાજ પહેરાવશે તે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે.
આમ આદમી પાર્ટીએ પાંચ ઉમેદવાર જાહેર કરી દીધાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ જૂનાગઢ શહેરની અને માણાવદર, માંગરોળ, કેશોદ અને વિસાવદરની બેઠક મળી પાંચેય બેઠકો માટે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે અને આ પાંચેય ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જિલ્લાનો ચૂંટણીજંગ જોવા જેવો થશે.