ગેરકાયદે રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ ટીમ પર હુમલો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા માફિયાઓ બેફામ બન્યા છે. વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમને ફરજ દરમિયાન ધમકી અને રૂકાવટનો સામનો કરવો પડ્યો હતો. ખાણ ખનીજ વિભાગના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયા ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડ સાથે તપાસ માટે ગયા હતા ત્યારે પપ્પુના ચીલા તરીકે ઓળખાતા રસ્તે નંબર પ્લેટ વગરનું એક ડમ્પર અને લોડર રેતીનું વહન કરતા ઝડપાયા હતા. ટીમે ડમ્પરની ચાવી લઈ લોડરનો પીછો કર્યો ત્યારે હાઈવે તરફથી આવેલા બે અજાણ્યા ઈસમોએ ટીમ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ (નાના કેરાળા) જણાવી ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું હતું. તેણે ડમ્પરની ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને સુપરવાઈઝર વિનયભાઈને ગંભીર ધમકી આપી હતી કે જો તે ડ્રાઈવર હોત તો તેના પર ડમ્પર ચડાવી દેત. વિનયભાઈએ તરત જ વીડિયો ઉતારવાનું શરૂ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને સુપરવાઈઝર ડોડીયાએ વાલાભાઈ સહિત બે ઈસમો વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.



