યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમમાં યોગ થકી આરોગ્ય અને આનંદનો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
નવા વર્ષના આરંભ સાથે પોરબંદર જિલ્લામાં સ્વસ્થ જીવનશૈલી અને યોગપ્રત્યે જાગૃતિ લાવવા માટે “યોગ સંવાદ અને સ્નેહમિલન” કાર્યક્રમનું ભવ્ય આયોજન આર્ય સમાજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગપ્રેમીઓએ હાજરી આપી હતી અને મેદસ્વિતા મુક્ત ગુજરાતની દિશામાં યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેદસ્વિતા મુક્ત ભારતના આહ્વાનને આવકારતા જણાવ્યું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આંતરિક શાંતિ અને માનસિક સ્વાસ્થ્યનું મૂળ છે. તેમણે ગુજરાતમાં હાલ ચાલી રહેલી 5,000થી વધુ નિ:શુલ્ક યોગ કક્ષાઓ અંગે માહિતી આપતાં આ સંખ્યા વધારીને 50,000 સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
તેમનું માનવું હતું કે યોગના પ્રચારથી રાજ્ય અને દેશના હેપીનેસ ઈન્ડેક્સમાં નોંધપાત્ર વધારો થશે. જે કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો દ્વારા ઓપરેશન સિંદુર અને વિશિષ્ટ યોગ કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના મનમાં ઉત્સાહનો સંચાર થયો હતો. યોગ સંવાદ અને સ્નેહમિલન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડો. રુહી, ડો. રામકૃષ્ણ એન., ડો. સંતોષ ગેડ, અરુણ શર્મા, ભાવેશભાઈ બાપોદરા, બ્રહ્માકુમારી લીના દીદી, ડો. પ્રવિણાબેન પાંડાવદરા, ચિંતનભાઈ ભટ્ટ, સુરેશભાઈ માલમ, હર્ષિતભાઈ રૂઘાણી, ડો. સુરેશ ગાંધી, સુનેનાબેન ડોગરા, નિધિબેન શાહ મોઢવાડિયા, અને અનેક યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર કેતન કોટિયાએ તમામ યોગ કોચ, ટ્રેનર, સાધકો તથા શાશ્વત ગ્રુપ રાજકોટ, આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા પોરબંદર જિલ્લામાં નવા વર્ષમાં સ્વસ્થતા, શાંતિ અને ઉત્સાહના સંદેશ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાતના અભિયાનને નવો વેગ મળ્યો છે.



