– 70 થી 80 હજાર સૈનિકોની ખુવારી છતાં પણ હજુ યુક્રેનના 20% વિસ્તારો પર જ રશિયન દળોનો કબજો: જી-7 સહિતના દેશોની શસ્ત્ર સપ્લાય પણ યુક્રેનને વધી
યુક્રેનમાં રશિયા દ્વારા ફરી એક વખત આક્રમક વલણ અપનાવતા વિશ્વમાં હવે પરમાણુ યુધ્ધનો ખતરો સર્જાવા લાગ્યો છે. યુક્રેન પરના આક્રમણના સાત માસ પછી પણ રશિયા નિર્ધારિત પરિણામો લાવી શક્યું નથી અને ખાસ કરીને રશિયાના સૈનિકોની ખુવારી આ દેશના સૈન્યમાં અસંતોષ સર્જી રહ્યો છે. બીજી તરફ યુક્રેને અમેરિકા અને અન્ય દેશોની મદદથી જે વળતુ આક્રમણ કર્યું છે
- Advertisement -
તેમાં છેલ્લા એક માસમાં જ રશિયાના દળો પાસેથી 6 હજાર વર્ગ કિલોમીટરનો યુક્રેનનો વિસ્તાર પાછો મેળવી લીધો છે અને હાલ હવે રશિયા પાસે યુક્રેનના 20 ટકા ક્ષેત્રનો જ કબજો હોવાનું મનાય છે. અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેનમાં 1.80 લાખ સૈનિકો મોકલ્યા છે જેમાં ખુવારીની સંખ્યા 70 થી 80 હજાર સૈનિકોની માનવામાં આવે છે અને બીજી તરફ યુક્રેનના 7 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે પરંતુ યુક્રેનના નાગરિકોની ખુવારી છે. દરમિયાન રશિયાએ તેના રિઝર્વ દળોને પણ સાબદા કર્યા છે અને પુતિન કોઇપણ ભોગે યુક્રેન યુધ્ધનું પરિણામ લાવવા માગે છે.
બીજી તરફ જી-7 દેશો હવે રશિયા પર બીજા તબક્કાના પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે. ખાસ કરીને રશિયાના અનાજ અને ક્રૂડ તેલ તથા ગેસના વ્યાપારને મોટી અસર થઇ નથી. જેના કારણે રશિયા આ યુધ્ધ વધુ લાંબુ ખેંચી શકે તેમ છે અને તેથી જ જી-7દેશોએ હવે રશિયા પાસેથી ક્રૂડ તેલ સહિતની કોમોડીટી ખરીદતા દેશોને વધુ પ્રતિબંધનો સામનો કરવા ચેતવણી આપશે તેમ માનવામાં આવે છે. બીજી તરફ અત્યાર સુધીમાં રશિયાએ બીજા વિશ્વ યુધ્ધ બાદ સૌથી વધુ સૈનિકો યુધ્ધ મેદાનમાં તૈનાત કર્યા છે અને હવે જો પરિણામ ન આવે તો રશિયા અણુ શસ્ત્રોનો પણ મર્યાદિત ઉપયોગ કરે તેવો ભય છે.