સૌ.યુનિ.માં ભરતી-ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને ઇન્ચાર્જ કુલપતિ અને શિક્ષણ વિભાગ પર વિદ્યાર્થી સંગઠનના આકરા પ્રહાર
ખાસ-ખબર સંવાદદાતા
આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન સાથે બેસણું યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનની ચર્ચા સમગ્ર શિક્ષણ જગતમાં થઈ રહી છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવતા આજે એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગનું બેસણું યોજયું હતું. જોહુકમી ચલાવતા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીના વિરોધમાં બેસણું કરવામાં આવ્યું હતું. કરાર આધારિત પ્રોફેસરો અને કર્મચારીઓની ભરતી ન કરવામાં આવતી હોવાને લઇને વિરોધ કરવામાં આવ્યો છે.
સૌ.યુનિ.માં કરારી કે કાયમી અધ્યાપકોની ભરતી કરવામાં આવતી નથી, માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવે છે જેવા મુદ્દાઓને લઈને એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં આ બાબતોને ધ્યાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું યોજી નાટ્યમક વિરોધ યોજ્યો હતો જેમાં યુનિવર્સિટી પાસે શૈક્ષણિક ખર્ચ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટ ના હોવાથી જૂની રીતિ રિવાજોમાં સગા સંબંધીઓ જેમ બેસણામાં ઘરવખરી અને અનાજ તેઓના પરિવાર માટે લઈ જઈને મદદ કરતા તેમ આજે એનએસયુઆઈ કાર્યકરો બેસણામાં કેમ્પસના ભવનો માટે સ્ટેશનરી વસ્તુઓ અને રોકડ પૈસા લઈને પહોંચ્યા હતા. આ સાથે વિદ્યાર્થીહિત અને યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર ઉચુ લાવવા હેતુસર રાજ્યપાલ સમક્ષ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિસ્તૃત માંગો કરી હતી.
- Advertisement -
NSUIના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી માંગ
1) યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની તત્કાલ નિમણુંક કરવામાં આવે.
2) કરારી અધ્યાપકોની અટકેલી ભરતી તત્કાલ કરવામાં આવે.
3) નોન-ટીચિંગ કર્મચારીઓની 150થી વધુ જગ્યાઓ જે ખાલી છે તેની ભરતી કરવામાં આવે
4) વર્ષોથી યુનિવર્સિટીના ભવનોમાં પ્રોફેસરોની ભરતી કરવામાં નથી, આ ઘટ મુજબ ભરતી કરવામાં આવે.
5) યુનિવર્સિટીને શૈક્ષણિક ખર્ચ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે.
6) વિવાદિત સત્તાધીશોને તમામ પદ પરથી દૂર કરવામાં આવે.
7) યુનિવર્સિટીમાં ભૂતકાળમાં થયેલ તમામ કૌભાંડો, પેપરલીકકાંડ, ચોરીકાંડમાં થયેલા પોલીસ કેસ કે તપાસ કમિટીમાં નિર્પક્ષ તપાસ કરાવી જવાબદાર કોલેજો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
8) સત્તાધીશો રાજકીય તાયફાઓમાંથી અને જુથવાદી કિન્નાખોરીથી દૂર રહી શૈક્ષણિક બાબતોમા સક્રિય રહેવા કડક સૂચનાઓ આપવામાં આવે.