ખાસ-ખબર ન્યૂઝનવી દિલ્હી, તા.29
દેશભરમાં ટૂંક સમયમાં ટોલ પ્લાઝાની ઝંઝટમાંથી વાહન ચાલકોને મુક્તી મળશે અને તેના સ્થાને નવી સિસ્ટમ શરૂ કરાશે. નવી સિસ્ટમ શરૂ થયા બાદ વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની પણ જરૂર નહીં પડે. આ કારણે તેમના સમયની બચત ઉપરાંત ઈંધણની પણ બચત થશે, તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે.
ગડકરીએ આજે ટ્વિટર માહિતી આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરશે. આ સિસ્ટમ લાગુ થયા બાદ વાહન ચાલકોએ કોઈપણ ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે અને તેમના બેંક એકાઉન્ટમાંથી આપોઆપ નાણાં કપાઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ 2024 સુધીમાં દેશના તમામ નેશનલ હાઈવે અમેરિકા જેવા થઈ જશે. વાહન ચાલકો જેટલા કિલોમીટરની સફર કરશે, તેટલો જ ટોલ ટેક્સ સીધા તેમના બેંક એકાઉન્ટમાંથી કપાશે. જોકે તેમણે નવી સિસ્ટમ ક્યારે શરૂ થશે, તે અંગે ડેડલાઈન આપી નથી.
- Advertisement -
અગાઉ માર્ચ 2024 સુધીની ડેડલાઈન આપી હતી
ગડકરીએ ડિસેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગઇંઅઈં)એ માર્ચ-2024 સુધીમાં નવી સિસ્ટમ લાગુ કરવાનો લક્ષ્યાંક મુક્યો છે. તેમનો મુખ્ય હેતુ ટોલ પ્લાઝા પર સમયનો વેડફાટ ઓછો કરવાનો છે.ગડકરીએ અગાઉ સંસદમાં પણ આપી હીત માહિતીઅગાઉ તેમણે સંસદમાં કહ્યું હતું કે, “અમે સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છીએ, અને તે પછી ટોલ નાકા હટાવી લેવામાં આવશે. તમારે કોઈ ટોલ નાકા પર રોકાવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમમાં તમારી કારની નંબર પ્લેટનો એક ફોટો લેવામાં આવશે. તમે જ્યાંથી એન્ટ્રી કરશો અને જ્યાથી બહાર નીકળશો, માત્ર એટલો જ ટોલ વસૂલવામાં આવશે. અને તે પણ સીધા તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે. તેથી તમને કોઈ રોકશે નહીં અને કોઈ મુશ્કેલીનો સામનો પણ નહી કરવો પડે.”
સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આ સેટેલાઇટ આધારિત આ સિસ્ટમમાં તમારી કારની નંબર પ્લેટનો ફોટો લેવામાં આવશે. અને જ્યારે પણ તમે કોઈ રાજ્યની ટોલ સીમા ક્રોસ કરશો કે તરત જ તમારો ટોલ ટેક્સ ઓટોમેટીક તમારા ખાતામાથી કપાઈ જશે. પરંતુ તેના માટે તમારે તમારુ એકાઉન્ટ લિંક કરવું પડશે. તે પછી તમારી કારને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે અને તમારી મુસાફરીનો ટાઈમ પણ બચશે.