ગુજરાતમાં માર્ચની શરૂઆતથી જ હીટવેવની શક્યતા
રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને ભુજ ખાતે 33.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
- Advertisement -
વૃદ્ધો-બાળકો માટે હવામાન વિભાગે અત્યારથી જ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી
ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકના જોખમ અંગે તબીબી નિષ્ણાતોની સાવચેત રહેવા સલાહ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
આગામી ઉનાળો અતિ આકરો બનવાના પૂર્વાનુમાન વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 4 અને 5 માર્ચે ગુજરાતમાં ‘હોટ એન્ડ હ્યુમીડ’ (ગરમ-ભેજયુક્ત) પરિસ્થિતિ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ફેબ્રુઆરી મહિનાભર રાજ્યનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાતાં હવે માર્ચના આરંભથી જ હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની વકી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. હાલ કચ્છ ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન સહિતના પરિબળોની અસરને કારણે સતત બીજા દિવસે ગરમીનું પ્રમાણ થોડું ઓછું રહ્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને ભુજ ખાતે 33.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જોકે, આ તાત્કાલિક રાહત ટૂંકી મુદત માટે જ હોવાનું માનવામાં આવે છે અને માર્ચના પ્રારંભ સાથે જ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એકંદરે, આગામી ધોમધખતા ઉનાળામાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વૃક્ષો અને જળસ્ત્રોતો જ કુદરતી ટાઢક આપી શકે તેમ છે. પરંતુ ગીચ વસાહતો અને ઝડપી શહેરીકરણને કારણે હરિયાળી અને જળાશયોનું પ્રમાણ ઘટતાં ઉષ્ણતા વધુ અનુભવાય તેવી સ્થિતિ સર્જાઈ
રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા પગલાં જ લાંબા ગાળે ગરમીના પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.



