સુરેન્દ્રનગરમાં ધો. 12 સુધી 87 ટકા વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
2025ના શૈક્ષણિક વર્ષમાં સુરેન્દ્રનગરના નર્સરીથી ધોરણ 12ના કુલ 65,698 વિદ્યાર્થીમાંથી 87 ટકા એટલે કે 56,961 વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં માત્ર 13 ટકા એટલે કે 8737 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઉપરાંત વર્ષોવર્ષ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનારા બાળકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. યુડાયેસ વેબસાઇટની સંખ્યા મુજબ 2024 કરતા 2025માં અંગ્રેજી મિડિયમની સંખ્યામાં 2083 બાળકોનો ઘટાડો નોંધાયો છે. અર્થાત વાલીઓમાં માતૃભાષા પ્રત્યે જાગૃતતા વધતા હવે શિક્ષિત માતાપિતા પોતાના બાળકને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખતા થયા છે. બાળકો ઉપર અભ્યાસનો સ્ટ્રેસ પણ ઘટ્યો છે શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, હાલ વાલીઓમાં અંગ્રેજી મિડિયમનો ક્રેઝ ઘટ્યો છે તે આવકારદાયક બાબત છે. તેનાથી બાળકો ઉપર અભ્યાસનો સ્ટ્રેસ પણ ઘટ્યો છે. મારા મતે માતૃભાષામાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી ભણતર અને ગણતર બંનેમાં હોંશિયાર હોય છે. અંગ્રેજીનો અભાવ ન હોવો જોઈએ અને પ્રભાવ પણ નહીં ડો.સી.ટી.ટુંડિયાએ જણાવ્યું કે, અંગ્રેજી ભાષાનો અભાવ પણ ન હોવો જોઈએ અને પ્રભાવ પણ ન હોવો જોઈએ. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોય તો જ બાળકની કલ્પનાશક્તિ ખીલી શકે છે. ધોરણ 10 કે 12 પછી તેને જે દેશમાં જવું હોય તેની ભાષા શીખીને વિદેશ સરળતાથી જઈ શકે છે.