નાભીઢાંગની ઉપર 2 કિલોમીટર ઊંચા પહાડ પરથી તિબ્બતમાં હાજર કૈલાશ પર્વત સરળતાથી જોવા મળે છે
પિથૌરાગઢના જિલ્લા પર્યટન અધિકારીએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખ પર રસ્તો બનાવવો પડશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન માટે અત્યાર સુધી ભારત ચીન પર નિર્ભર હતુ પરંતુ હવે આ નિર્ભરતા સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. ચીન સરહદ નજીક 18 હજાર ફૂટની ઊંચાઈથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન સંભવ છે. નાભીઢાંગની ઉપર 2 કિલોમીટર ઊંચા પહાડ પરથી તિબ્બતમાં હાજર કૈલાશ પર્વત સરળતાથી જોવા મળે છે.
જોકે, હજુ સુધી આની જાણકારી કોઈને નથી પરંતુ અમુક સ્થાનિક લોકો જ્યારે ઓલ્ડ લિપુલેખના પર્વત પર પહોંચ્યા તો ત્યાંથી પવિત્ર કૈલાશ પર્વત ખૂબ નજીક જોવા મળ્યો. આ સંભાવનાની વાસ્તવિકતા શોધવા ગયેલી અધિકારીઓની ટીમને પણ કૈલાશ પર્વતના દર્શન ખૂબ સરળતાથી થઈ ગયા. ટીમના સભ્ય અને ધારચૂલાના એસડીએમએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખથી કૈલાશ પર્વતના દર્શન સરળતાથી થઈ શકે છે. હવે આ રિપોર્ટ શાસનને મોકલી રહ્યા છે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ચીનની પરમિશન ના મળવાના કારણે માનસરોવર યાત્રા સતત ત્રીજા વર્ષે પણ બંધ છે. દરમિયાન જ્યારે ભારતની પોતાની ભૂમિથી કૈલાશ પર્વતના દર્શન સરળતાથી થઈ રહ્યા હોય તો સંભાવનાઓના ઘણા દ્વારા એકસાથે ખુલી રહ્યા છે. ચીન બોર્ડરને જોડતો લિપુલેખ રોડ બન્યા બાદ ત્યાં પહોંચવુ તો ખૂબ સરળ થઈ ગયુ છે. સાથે જ પોતાની ધરતી પર આવા સ્થાનની શોધ થવાથી ચીન પર નિર્ભરતા પણ ખતમ થઈ શકે છે.
પર્યટન વિભાગ અનુસાર 2 કિલોમીટરનું ચઢાણ પાર કરવુ સરળ નથી પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પણ રસ્તો બનાવવામાં આવી શકે છે. પિથૌરાગઢના જિલ્લા પર્યટન અધિકારીએ જણાવ્યુ કે ઓલ્ડ લિપુલેખ પર રસ્તો બનાવવો પડશે તેમજ પર્યટકો માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવાની છે. જે બાદ ત્યાં પર્યટક આવી શકશે.
કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યોલિંગકાંગથી 25 કિલોમીટર ઉપર લિંપિયાધૂરા શિખરથી પણ કૈલાશ પર્વતના દર્શન થઈ શકે છે. દરમિયાન ઓમ પર્વત, આદિ કૈલાશ અને પાર્વતી સરોવર નજીકથી કૈલાશ પર્વતના દર્શન સાથે તીર્થ પર્યટન વિકસી શકે છે. એટલુ જ નહીં જેની કલ્પના હજુ સુધી કોઈએ નહોતી કરી હવે તે પૂર્ણ થવાની શક્યતા છે.
- Advertisement -
ચીનની મનમાની અને ભારતીય શ્રદ્ધાળુઓની લાચારી વચ્ચે ભારતની ભૂમિથી જ કૈલાશ દર્શનની વાત હવે સત્ય સાબિત થઈ ચૂકી છે. દરમિયાન એ સમજી શકાય કે આ વિસ્તારનું મહત્વ કેટલુ વધી જાય છે. હવે એ જોવાનું રહેશે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ નવી સંભાવના માટે કેવુ પરિણામ સામે લાવે છે.