વિદેશમાં જવા અને ભારતમાં આવવા આ બંદરોનો પણ ઉપયોગ હવે છૂટથી થઇ શકશે
ગુજરાતમાં 4 સી-પોર્ટ કાર્યરત છે, હવે કુલ 6 થયા, સમગ્ર દેશમાં કુલ 34 સી-પોર્ટ
- Advertisement -
હાલ કેટેગરી-2 તરીકે જાહેર કરાયાં હોઈ મર્યાદિત સેવા પણ ભવિષ્યમાં ક્રૂઝ ચાલુ થઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદેશમાં જવા અને ભારતમાં પ્રવેશ માટે ગુજરાતના બે વધુ બંદરોને સીપોર્ટ તરીકે જાહેર કરાયાં છે. સુરત પાસે આવેલા હજીરા અને અમરેલીના પીપાવાવ બંદરનો તેમાં સમાવેશ કરાયો છે. આ બન્ને બંદરો પર ઇમિગ્રેશન સેવા અને કસ્ટમ ક્લીઅરન્સની ચેકપોસ્ટની પણ શરૂઆત કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના અગાઉના ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળના પરિપત્રમાં સુધારો કરીને હજીરા અને પીપાવાવને પણ તેમાં સમાવી લીધાં છે. આ વિકલ્પ ઉપલબ્ધ થવાથી ગુજરાતમાંથી વિદેશમાં જતાં ક્રુઝ મારફતે ટુરિઝમ અને અન્ય પ્રવાસી જહાજની સુવિધામાં વધારો થશે.
- Advertisement -
કેન્દ્ર સરકારે અગાઉના નોટિફિકેશન સાથે ગુજરાતમાં 4 સી પોર્ટ જાહેર કર્યાં છે, જેમાં કંડલા, મુંદ્રા, ભાવનગર અને અલંગનો સમાવેશ થાય છે. હવે તેમાં આ બીજા બે સીપોર્ટ ઉમેરાતાં ગુજરાતમાં કુલ 6 સી પોર્ટ તૈયાર થઈ ગયા છે. નવા બે બંદરોને કેટેગરી-2 એન્ટ્રી પોઇન્ટ તરીકે ઉમેરવામાં આવ્યા છે. આથી હાલ મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ કે નિકાસ મળી શકશે પરંતુ ભવિષ્યમાં તે કેટેગરી-1 એન્ટ્રી પોઈન્ટ પણ બની શકે છે. સમગ્ર દેશમાં કુલ 34 સીપોર્ટ છે જેમાં મુંબઇ, ગોવા, કેરળ, તામિલનાડુ આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, ઓડિશા, આંદામાન અને નિકોબાર સહિતના રાજ્યોમાં સી પોર્ટ આવેલાં છે. આ ઉપરાંત કુલ 37 એવાં એરપોર્ટ છે જે આંતરરાષ્ટ્રીય ઉડાનોની સુવિધા ધરાવતા હોવાથી ત્યાં ઇમિગ્રેશન શક્ય છે. આ ઉપરાંત પડોશી દેશો સાથે જમીનથી જોડાયેલા ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, મિઝોરમ, રાજસ્થાન, બંગાળ અને પંજાબ જેવા રાજ્યોમાં લેન્ડ પોર્ટ્સ પણ છે.



