‘વિશ્ર્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ પર રાજ્યની ગૌરવભરી સિદ્ધિ
સિંહ, વાઘ અને યાયાવર પક્ષીઓની વધતી વસ્તી રાજ્યના સંરક્ષણ અભિગમની સાબિતી
- Advertisement -
રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ પણ રાજ્યની વન્યજીવ સમૃદ્ધિમાં વધારાનો માઈલસ્ટોન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવાતા વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસના અવસરે ગુજરાતે વન્યપ્રાણી સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લી વન્યજીવ વસ્તી ગણતરી-2023 મુજબ રાજ્યમાં 21 જેટલી પ્રજાતિઓની કુલ 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. ગુજરાત લાંબા સમયથી એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન રહ્યું છે. 2001માં 327 રહેલી સિંહોની જનસંખ્યા વર્ષ 2025 સુધીમાં વધીને 891 સુધી પહોંચી છે. આ વધારો રાજ્યની દાયકાઓથી ચાલતી સંરક્ષણ નીતિઓની સફળતા દર્શાવે છે. ત્યારે તાજેતરમાં દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ પણ રાજ્યની વન્યજીવ સમૃદ્ધિમાં વધારાનો માઈલસ્ટોન છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્ય વન્યજીવ માટે સુરક્ષિત સ્થળ તરીકે સતત વિકસી રહ્યું છે.
- Advertisement -
ચિત્તા ક્ધઝર્વેશન બ્રીડિંગ સેન્ટર, ગુજરાતમાં નવી પહેલ
કેન્દ્ર સરકારની મંજૂરી સાથે કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા બ્રિડીંગ સેન્ટર સ્થાપિત થવાનું છે. ગુજરાતના અધિકારીઓએ કુનો પલપુર અભયારણ્ય (એમ.પી.) જઈ પ્રોજેક્ટ માટે જરૂરી અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે. વન વિભાગ દ્વારા 2017થી દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન ચાલતા કરુણા અભિયાનમાં હજારો ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. વર્ષ 2025માં 17 હજારથી વધુ ઘાયલ પક્ષીઓને બચાવી મુક્ત કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી વન્યજીવ સંરક્ષણ માટે કડક કાયદા અને નીતિઓ અમલમાં છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રયત્નો વધુ મજબૂત બન્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે.
ગુજરાત યાયાવર પક્ષીઓનું સ્વર્ગ
વર્ષ 2024 દરમિયાન રાજ્યના થોળ, નળસરોવર, તળાવો અને જળ પ્લાવિત વિસ્તારોમાં 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. થોળ પક્ષી અભયારણ્યમાં 2010ના 31,380ની સામે 2024માં 1.11 લાખ એટલે કે 355% વૃદ્ધિએ પહોંચ્યું છે જ્યારે નળસરોવર અભયારણ્યમાં 2010ના 1.31 લાખની સામે 2024માં 3.62 લાખ એટલે 276% વૃદ્ધિ થઈ છે.
વસ્તી અંદાજ-2023 મુજબ રાજ્યમાં વન્યજીવો તથા સમુદ્રી જીવો
મોર 2.85 લાખથી વધુ
નીલગાય 2.24 લાખથી વધુ
વાંદરા 2 લાખથી વધુ
ચિત્તલ 1 લાખથી વધુ
જંગલી સુવર 1 લાખથી વધુ
કાળીયાર 9,170
સાંભર 8,221
ચિંકારા 6,208
દિપડા 2,274
શિયાળ 2,299
ડોલ્ફિન 680
ઘુડખર 7,672



