ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં પોલીસ પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી મોહિત ચમનભાઈ ગોહેલને નામદાર સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
થોડા સમય પહેલા ભગવતીપરા પુલ નીચે નાઈટ ડ્યુટીમાં રહેલા પોલીસકર્મીને મોહિત ચમનભાઈ ગોહેલે, જેણે પોતાને ગણેશનગરનો ડોન ગણાવ્યો હતો, તેણે “તું અહીંયા કેમ બેઠો છો, અહીં પોલીસને બેસવું નહીં” તેમ કહી માથાકૂટ કરી હતી. આરોપીએ ધારદાર ગુપ્તી જેવું હથિયાર કાઢી અને પાછળથી આવેલા અન્ય એક ઈસમે પોલીસકર્મીના હાથ પકડી લીધા હતા. મોહિતે ગુપ્તી ગળા પર રાખીને ખિસ્સામાં જે કંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ, હથિયાર વડે માથામાં પાંચથી છ ઘા મારી અને ઢીકા-પાટુનો માર મારી લૂંટ ચલાવી હતી.
આ ફરિયાદના આધારે આરોપી મોહિત ચમનભાઈ ગોહેલ દ્વારા તેમના વકીલ મારફતે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરવામાં આવી હતી. વકીલ દ્વારા મુખ્યત્વે દલીલ કરવામાં આવી હતી કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આરોપીની જ્યુડિશિયલ કસ્ટડીની જરૂરિયાત નથી. આરોપી પાસેથી કોઈ ડિસ્કવરી-રિકવરી બાકી રહેતી નથી. આ ઉપરાંત, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ દલીલોને ધ્યાને લઈને નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં વકીલ તરીકે સિનિયર ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ ગોસાઈ તેમજ યુવા એડવોકેટ ચિત્રાંક એસ. વ્યાસ, નેહાબેન રાવલ, યશ ભીંડોરા, ધનરાજસિંહ જાડેજા, પ્રશાંત શુક્લા, વૈશાલીબેન ચાવડા અને આકાશ મેવાડા, અભી કામલીયા વગેરે રોકાયેલા હતા