ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
આગામી 27 ઓગસ્ટના રોજ આવતા ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 7 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ, ગણેશજીની મૂર્તિઓ બનાવતા કારીગરોએ સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું પડશે જેથી રોગચાળો ન ફેલાય. કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની સુરક્ષા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. મૂર્તિની ઊંચાઈ બેઠક સહિત નવ ફૂટથી વધુ રાખવાની મનાઈ છે. આ ઉપરાંત, નદી, તળાવ કે કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવાને બદલે, સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવેલા કૃત્રિમ વિસર્જન કુંડ નો ઉપયોગ કરવો ફરજિયાત છે.
- Advertisement -
મૂર્તિનું વિસર્જન કરવા માટે સંબંધિત અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડશે અને મંજૂરીમાં દર્શાવેલા પરંપરાગત રૂટનો જ ઉપયોગ કરવાનો રહેશે. પૂર્વ મંજૂરી વિના જાહેર માર્ગો પર મૂર્તિનું પરિવહન કરી શકાશે નહીં. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને પર્યાવરણ બંને જળવાઈ રહે તે સુનિશ્ચિત કરશે.