મહિલાની બદનક્ષી સબબ 10 લાખના વળતરની વકીલ મારફત નોટિસ ફટકારી
આરોપી સરપંચને પદ પરથી હટાવવા ફટકારેલી નોટિસમાં છે પીડિતાનો ઉલ્લેખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ડીડીઓએ એક નોટિસમાં દુષ્કર્મ પીડિતાની ઓળખ છતી કરી હોવાના આરોપ સાથે મહિલાએ બદનક્ષી અંગે 10 લાખના વળતરની નોટિસ ફટકારી છે જામકંડોરણાના ચિત્રાવડ(પાટી) ગામના સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોય, સરપંચ જેલમાં હોવાથી તેમને સસ્પેન્ડ કરવા અંગેની નોટિસ ડીડીઓએ આપી હતી જેમાં ભોગ બનનારના નામનો ઉલ્લેખ કરાયો હોવાથી નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દુષ્કર્મ અંગે ગત તા. 28/11ના રોજ ચિત્રાવડ(પાટી) ગામના સરપંચ જયેન્દ્રસિંહ કાનુભા ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે ઉપરોક્ત ગુનામાં આરોપી હાલ જેલ હવાલે છે આરોપી સરપંચ હોય અને જેલમાં હોવાથી રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનન્દુ સુરેશ ગોવિંદ દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી હતી આ નોટિસમાં ભોગ બનનાર પીડિતાનું નામ લખવામાં આવ્યું છે કાયદા મુજબ, દુષ્કર્મનો પીડિતાની કોઇપણ પ્રકારે ઓળખ જાહેર કરી શકાતી નથી. પરંતુ ડીડીઓએ પોતાની નોટિસમાં ભોગ બનનાર મહિલાનું નામ લખી નાખતા મહિલાએ પોતાના વકીલ મારફતે ડીડીઓને બદનક્ષીની નોટિસ ફટકારી 10 લાખના વળતરની માંગ કરી છે નિયમ મુજબ, સરપંચ કોઇપણ ગુના સબબ 24 કલાકથી વધુ સમય જેલવાસ ભોગવે તો તેને પદ પરથી દૂર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને અપાઈ છે જેથી જયેન્દ્રસિંહને પદ પરથી દૂર કરવા માટે પ્રક્રિયા કરી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનન્દુ સુરેશ ગોવિંદે સરપંચને નોટિસ પાઠવી છે આ નોટિસ ગ્રામપંચાયત કચેરીને પાઠવવામાં આવી હતી. જ્યાંથી સામે આવ્યું હતું કે, સરપંચને ઉદ્દેશી કરાયેલી નોટિસમાં પીડિત મહિલાનું નામ લખવામાં આવ્યું છે જેથી પીડિતાના વકીલે ડીડીઓને નોટિસ ફટકારી પોતાના અસીલ ભોગ બનનાર મહિલાની ઓળખ છતી કરી બદનક્ષી કર્યાંનો આક્ષેપ મૂકી 10 લાખ વળતર ચુકવવા માંગ કરી છે.



