ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ આપવા આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત તા. 30 ઓકટોબરના રોજ ઝુલતા પુલ દુર્ઘટનામાં મરણ પામેલ 135 કરતા વધુ લોકોના અને તેઓના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ આપવામાં આવી છે અને આયોગે ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદના માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન બાદ માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. માનવ અધિકાર ભંગની ફરિયાદમાં માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા આ ઝુલતા પુલનો જેણે કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકાના તેમજ જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને પચાસ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની પિટિશનમાં માંગણી કરવામાં આવી હતી જે બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ડીજીપી અને રાજ્યના ચીફ સેક્રેટરીને નોટીસ ફટકારી છે.