બોગસ સોફ્ટવેર બનાવી રાજ્યભરમાં હાથ ધરાયેલા કૌભાંડમાં રાજકોટ જિલ્લાના 34 વેપારીઓની સંડોવણી
ખાસ-ખબર સંવાદદાતા
ઢીંગલી નામનો બોગસ સોફટવેર બનાવી ગરીબોના મો માથી કોળીયો છીનવી લાખો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર કાળાબજારમાં ધકેલી દેવાના કૌભાંડના અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લાના સસ્તા અનાજના 34 વેપારીઓને જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડાએ નોટિસ ફટકારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બોગસ ફિંગર પ્રિન્ટના આધારે સરકારી અનાજ કાળાબજારમાં ધકેલી દેવાના કૌભાંડના અનુસંધાને 19 વેપારીને એસી લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવાના અને તેમની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ કરવાના તાજેતરમાં કરાયેલા હુકમ બાદ હવે જિલ્લા પુરવઠા તંત્રએ ઢીંગલી સોફ્ટવેરનું કૌભાંડ હાથ પર લેતા વેપારીઓમાં ફફડાટ ની લાગણી ફેલાવા પામી છે.
એકાદ વર્ષ અગાઉ બહાર આવેલા આ કૌભાંડમાં અત્યાર સુધી તપાસ ચાલતી હતી અને પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ થયું હોવાનું જણાતા હવે વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડાની વિસાવદરમાં બદલી થઇ છે અને નોટિસ આપ્યા બાદ હવે આ સમગ્ર પ્રકરણ નવા જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ ચાલશે.પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સોફ્ટવેર બનાવનાર એન્જિનિયરોએ સસ્તા અનાજના વેપારીઓને તે વેચ્યો છે અને સમગ્ર રાજ્યમાં તેનું મોટાપાયે વેચાણ થયું છે. રાજકોટ જિલ્લામાં 34 વેપારીઓએ આવો સોફ્ટવેર લીધો હોવાનું ખુલવા પામ્યું છે. આ સોફ્ટવેરમાં કોઈ ગ્રાહકે માલ ન લીધો હોય તો પણ તેના નામે એન્ટ્રી થઇ જતી હતી અને માલ બારોબાર કાળાબજારમાં ધકેલાઈ જતો હતો.