તન્વી પ્રોડક્શનનાં વિમલ પટેલની ગંદી ચાલ ઉઘાડી પડી
સવાલોનાં સવા કરોડ ગેમ શૉનું પેકઅપ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર દ્વારા ગુજરાતના સૌથી મોટા રિયાલીટી શોની સૌથી મોટી રિયાલીટી પાછલા બે દિવસના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરેએ સવાલોના સવા કરોડ ગેમ શોના માધ્યમથી 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકદીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા હતા અને ત્યારબાદ આ ગેમ શો શરૂ ન થઈ શકતા સ્પર્ધકોએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. તન્વી પ્રોડક્શન અને તેના આયોજકોએ રીયાલિટી ગેમ શોના નામ પર ક્યાં પ્રકારે હજારો લોકો સાથે છેતરપીંડી કરી છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયા બાદ સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે ખાસ-ખબરનો સંપર્ક સાંધ્યો હતો અને તન્વી પ્રોડક્શન વિમલ પટેલની પોલ ખોલતા પુરાવાઓ પૂરા પાડ્યા હતા.
આયોજકોની ચોરી અને ઉપરથી સીનાજોરી, સ્પર્ધકોને ઈમેઈલ કરી ખોટી માહિતી આપી અને સિદ્ધાર્થ રાંદેરિયાને બલીના બકરા બનાવી દીધાં
તન્વી પ્રોડક્શન કે વિમલ પટેલ દ્વારા અમારો કોઈ જ સંપર્ક સાધવામાં આવ્યો નથી : વિજય રાવલ
સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકોએ આજે એક ઈમેઈલ દ્વારા સ્પર્ધકોને એવું જણાવ્યું છે કે, ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. આ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે જણાવ્યું છે કે, ભવિષ્યમાં આ ગેમ શો શરૂ કરવા અંગે તન્વી પ્રોડક્શન કે વિમલ પટેલ દ્વારા અમારો કોઈ જ સંપર્ક સાધવામાં આવ્યો નથી. અગામી સમયમાં અમારી સાથે આ ગેમ શોના શૂટિંગની તારીખ, સમય, સ્થળ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ અંગે ભૂતકાળમાં અમે વારંવાર તેમનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ કોઈ પ્રત્યુતર મળ્યા નહતા. ત્યારબાદ 15 માર્ચથી આ શોનું શૂટિંગ શરૂ થવાનું હતું પરંતુ આયોજકોને સ્પોન્સર્સ ન મળતા તેઓએ અમને જાણ કર્યા વિના જ શોનું શૂટિંગ કેન્સલ કરી નાખ્યું હતું અને હવે તેઓ સિદ્ધાર્થ રાંદેરિયા વિદેશમાં છે એટલે શો શરૂ થઈ રહ્યો નથી એવું ખોટું બહાનું કાઢી રહ્યા છે.
- Advertisement -
પહેલાં પાનાથી ચાલું…
આ દરમિયાન આજ રોજ તન્વી પ્રોડક્શન દ્વારા સવાલોના સવા કરોડ ગેમ શોના સ્પર્ધકોને એક ઈમેઈલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શોનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી. હકિકતમાં સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા વિદેશ છે એટલે નહીં, સ્પોન્સર ન મળવાના કારણે ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. આ અંગેના પુરાવાઓ સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે ખાસ-ખબરને આપ્યા છે. તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ જૂઠ બોલી સ્પર્ધકોને છેતરી રહ્યા છે તે સ્પષ્ટ દર્શાઈ આવે છે. ભવિષ્યમાં ગેમ શો શરૂ કરવા માટે તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયા કે તેમના બિઝનેસ મેનેજર વિજય રાવલનો સંપર્ક કરી આ અંગે કોઈ ચર્ચા કરી નથી. તમામ બાબતો પરથી એવું જણાય રહ્યું છે કે, સવાલોના સવા કરોડ ગેમ શોને સ્પોન્સર્સ ન મળતા હવે આ ગેમ શોનું પેકઅપ સમજવું રહ્યું.
સવાલોનાં સવા કરોડ શૉનાં સ્પર્ધકોને ગર્ભિત ધમકી આપતો ઈમેઈલ કરી શોના નિયમ જાણી લેવા જણાવાયું
તન્વી પ્રોડક્શન પ્રોડ્યુસ સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજક વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલને ફોન પર ખુલ્લી ધમકી અને સ્પર્ધકોને ઈમેઈલ દ્વારા ગર્ભિત ધમકી આપી છે. સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકોએ આજે એક ઈમેઈલ દ્વારા સ્પર્ધકોને એવું જણાવ્યું છે કે, એકવખત ગેમ શોના નિયમ જાણી લેવા. આયોજકો દ્વારા મેઈલ કરી સ્પર્ધકોને આડકતરી રીતે જણાવ્યું છે કે, ગેમ શોના સ્પર્ધકો નિયમોથી બંધાયેલા છે. જોકે આ બંને પક્ષ વચ્ચેનો ગર્ભિત કરાર હોય કરાર ભંગની ફરિયાદ કરવા માટે સ્પર્ધકો સ્વતંત્ર છે આમ છતાં સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજકો તન્વી પ્રોડક્શનએ સ્પર્ધકોને ઈમેઈલ કરી ગર્ભિત ધમકી આપી છે.
વિમલ પટેલે ફોન કરી સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજરને ધમકાવ્યા, પૈસાની માંગણી પણ કરી!
તન્વી પ્રોડક્શનવાળા વિમલ પટેલના ભોપાળાની એક્સલ્યુસિવ માહિતી ખાસ-ખબરને આપવા બદલ વિમલ પટેલે ફોન કરી સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલને ધમકાવ્યા હતા અને તેમની પાસેથી સિદ્ધાર્થ રાંદેરિયાને શો હોસ્ટ કરવા બદલ ચૂકવેલા એડવાન્સ પૈસા પરત આપવાની માંગણી કરી હતી. વિમલ પટેલે વિજય રાવલને જણાવ્યું હતું કે, આ ગેમ શો ભવિષ્યમાં શરૂ થશે. ક્યારે એ કહી ન શકાય પરંતુ હાલ પૂરતા તેઓ તેમને સિદ્ધાર્થ રાંદેરિયાને શો હોસ્ટ કરવા માટે ચૂકવેલા એડવાન્સ પૈસા પરત કરી આપે. જોકે વિજય રાવલ વિમલ પટેલની ધમકીઓથી ડર્યા કે ઝૂક્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવા જણાવી આપ્યું હતું.