ખાસ-ખબર સંવાદદાતા
સિરામિક હબ ગણાતા મોરબીને અને સ્વચ્છતાને બાર ગાઉનું છેટું હોવા છતાં નગરપાલિકા દ્વારા આપણું મોરબી સ્વચ્છ મોરબી સૂત્ર આપવામાં આવ્યું છે. મોરબી શહેર છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખદબદી રહ્યું હોય જેના માટે પાલિકા તો જવાબદાર છે જ પરંતુ મોરબીની જનતા પણ ગંદકી માટે એટલી જ જવાબદાર છે.
હાલમાં મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે જેથી ગટરની સફાઈ દરમિયાન બહાર કાઢવામાં આવેલ વેસ્ટેજને પાલિકા દ્વારા સમય ગેટ પાસે નાખવામાં આવ્યો છે ત્યારે કચરો નાખવાની જ આ જગ્યા હોય તેમ સ્થાનિકો દ્વારા પણ આ જગ્યાએ કચરો નાખવામાં આવતો હોવાથી મોરબીમાં હાલ ભાઈ હરખા, આપડે બેય સરખા જેવો ઘાટ સર્જાયો છે.
- Advertisement -
છેલ્લા ઘણા સમયથી મોરબીની સ્વચ્છતા, સારા રોડ રસ્તા, સારી આરોગ્ય શિક્ષણ સુવિધાના અભાવ જેવી સમસ્યાઓને જાણે ડરપોક જનતાએ પણ સ્વીકારી લીધી હોય તેવી માનસિકતાનું વરવું સ્વરૂપ મોરબીમાં જોવા મળી રહ્યું છે. હાલ એક તરફ મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પુરજોશથી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા દ્વારા નાલા અને ગટરની સફાઈ દરમિયાન જે કચરો વેસ્ટેજ બહાર કાઢવામાં આવે છે તે વેસ્ટેજને મોરબીના પ્રવેશદ્વાર સમય ગેટ પાસે નાખવામાં આવ્યો છે જે કચરાના ઢગલા છેલ્લા ચારેક દિવસથી ત્યાં ને ત્યાં જ છે તો બીજી તરફ સ્થાનિકો પણ જાણે આ જગ્યા કચરો નાખવાની જગ્યા હોય તેમ રાત્રીના સમયે છુપી રીતે કચરો નાખી જતાં હોય છે.
આ ઉપરાંત હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગો પુરા થયા બાદ ફૂલો, પ્લાસ્ટિકની ડીશ, વેસ્ટ વગેરે જેવા કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે લોકો દ્વારા પ્રસંગ બાદનો કચરો સમય ગેટ પાસે પાલિકાના વેસ્ટેજ સાથે નાખી દેવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકા જાહેર સ્થળો ઉપર કચરો ફેંકનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરી આક્રમક વલણ અપનાવે તે જરૂરી છે જ્યારે મોરબીની જનતા પણ જાગૃત બનીને તંત્રને સહયોગ આપે તો મોરબી ચોક્કસથી ગંદકીથી ખદબદતા મોરબીની જગ્યાએ સ્વચ્છ મોરબી બની શકશે.