કાળી ચૌદશની સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે
આજે કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનો દિવસ. કાળી ચૌદશનું બીજું નામ ’નરક ચતુર્દશી’ પણ છે. કાળી ચૌદશને ’રૂપ ચૌદશ’ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, એટલે તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. નરક ચતુર્દશીની પૌરાણિક કથા કંઇક આવી છે: નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો. પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. બધા દેવતાઓની હાલત જોઈને શ્રીકૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે, નરકાસુરને શ્રાપ હતો કે, તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્ની સત્યભામાની મદદથી આસો માસની વદ ચૌદશે નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ બાદ 16, 100 ક્ધયાઓને મુક્ત કરવામાં આવી. 16,100 ક્ધયાનો સમાજ બહિષ્કાર ન કરે અને સમાજમાં એમનું પુન:સ્થાપન થાય એ હેતુથી શ્રીકૃષ્ણે તેમને અપનાવી અને પોતાની પત્ની તરીકે આ 16,100 ક્ધયાને સ્થાન આપ્યું. આમ, નરકાસુરના વધ પછી, લોકોએ આસો માસની ચૌદશને એટલે કે કાળી ચૌદશ નરક ચતુર્દશીની ઊજવવાનું શરૂ કર્યું. ઘણા સાધકો કાળી ચૌદશની રાતે મહાકાળી માતાની ઉપાસના કરે છે.
- Advertisement -
દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. કાળી ચૌદશની સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. કાળી ચૌદશને ’નાની દિવાળી’ પણ કહે છે. કાળી ચૌદશની સાંજે ઘરમાંથી કકળાટ કાઢવાની સામાજિક પરંપરા જોડાયેલી છે. આ પ્રથામાં પાછળથી ઘણી માન્યતાઓ ભળી. આપણે આપણી મરજી મુજબના અર્થો પણ તારવ્યા. પરંતુ એનો મૂળ અર્થ શરીર, હ્રદયની આંતરિક શુદ્ધિ સાથે સંકળાયેલો છે. એટલે આપણી આ સુંદર પરંપરાને ફક્ત સામાજિક- સાંસ્કૃતિક પ્રથા નહીં ગણતા, એની પાછળના ઉમદા હેતુને આત્મસાત્ કરીએ અને કંઈક નવી ઊર્જા, નવી તાજગી અને નવા સંકલ્પો સાથે આપણા નવા વર્ષની શરૂઆત કરીએ. ઘરનો બાહ્ય કકળાટ કાઢવાની સાથોસાથ આપણે આપણી અંદર ઘર કરી ગયેલા ડર અને ગભરામણને પણ ગામના ચોતરે મૂકી આવીએ. આપણી અંદર જે અમાપ શક્તિઓ ઢબૂરાયેલી છે એને બહાર કાઢીએ.
– ૐ નમ: શિવાય