અભ્યાસ મુજબ યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને પુર્વ એશિયામાં કેન્સરનો દર પાંચ ગણો વધ્યો છે!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આજકાલ દારૂ ઘણાં લોકોની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયો છે. સ્ટ્રેસ હોય કે ખુશી, બર્થ ડે હોય કે પછી અન્ય કોઈ પાર્ટી, દારૂ દરેક પ્રસંગે લોકોનો સાથી બની જાય છે. જો કે, થોડી ક્ષણોનો આનંદ આપનારો આ આલ્કોહોલ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
- Advertisement -
હવે હાલમાં જ આ વિશે એક નવો અભ્યાસ પણ સામે આવ્યો છે. આ નવા અધ્યયનમાં દારૂ પીવા અને પેન્ક્રિયાટિક કેન્સરના વધતાં જોખમ વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઇએઆરસી) દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લગભગ 2.5 મિલિયન વ્યક્તિઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી……
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દારૂ પીવાથી પેન્ક્રિયાટિકનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. દારૂ પીનાર પુરુષ હોય કે સ્ત્રી અને તે ગમે તેટલી માત્રામાં પીતાં હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. દારૂ પીવાથી કેન્સરનું પણ જોખમ વધે છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે દરરોજ લગભગ 10 ગ્રામ આલ્કોહોલ પીવાથી પેન્ક્રિયાટિક કેન્સરનું જોખમ 3% વધી જાય છે.
અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે- જે મહિલાઓ રોજના 15-30 ગ્રામ આલ્કોહોલ (લગભગ 1-2 ડ્રિંક્સ) પીએ છે તેમનામાં કેન્સરનું 12 ટકા વધુ જોખમ હોય છે.જે પુરુષો દરરોજ 30-60 ગ્રામ આલ્કોહોલ પીતાં હતાં તેમનાં જોખમમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો હતો.જે પુરુષો દરરોજ 60 ગ્રામથી વધુ આલ્કોહોલ પીતાં હતાં તેમનામાં જોખમ 36 ટકા વધી ગયું હતું
પેન્ક્રિયાટિકનું કેન્સર એ વિશ્વભરમાં કેન્સરના સૌથી ઘાતક સ્વરૂપોમાંનું એક છે, જેના લક્ષણો ઘણીવાર મોડેથી જોવા મળે છે. આ જ કારણ છે કે ઘણીવાર આ કેન્સરને ઓળખવામાં મોડું થઈ જાય છે. જોકે તે વિશ્વભરમાં કેન્સરના કેસોમાં બારમા ક્રમે છે, પરંતુ કેન્સરથી થતાં તમામ મૃત્યુમાં તે લગભગ 5 ટકા હિસ્સો ધરાવે છે.અભ્યાસ મુજબ યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને પૂર્વ એશિયામાં પેન્ક્રિયાટિક કેન્સરનો દર વિશ્વનાં અન્ય ભાગોની તુલનામાં પાંચ ગણો વધારે છે. અધ્યયન લેખક પીટ્રો ફેરારીના જણાવ્યાં અનુસાર, આ સીમાચિહ્નરૂપ અભ્યાસ વધતાં જતાં પુરાવાને મજબૂત કરે છે કે આલ્કોહોલ કોઈપણ માત્રામાં પીવો સુરક્ષિત નથી. આ સંશોધન દારૂ પીવા સાથે સંકળાયેલા કેન્સરના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે પણ જરૂરી સાબિત થાય છે.